ચીનમાં લિવર અને કિડની ફેલ કરતો વાઇરસ ડિટેક્ટ થયો

11 August, 2022 09:09 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

૩૫ લોકો લાંગ્યા વાઇરસથી સંક્રમિત થયા છે

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતા વધુ એક વાઇરસના કેસિસ સામે આવ્યા છે. અહીં ૩૫ લોકો લાંગ્યા વાઇરસથી સંક્રમિત થયા છે. ઑથોરિટીઝે જણાવ્યું હતું કે આ પેશન્ટ્સ એકબીજાની સાથે નજીકના કૉન્ટૅક્ટમાં નહોતા કે પછી તેમના સંક્રમણનો કોઈ કૉમન સોર્સ પણ નથી. હાલ ચીનમાં આ વાઇરસના લીધે કોઈનું મૃત્યુ થયું નથી. આ વાઇરસ સૌપ્રથમ ૨૦૧૯માં શેન્ગડોંગમાં માણસોમાં ડિટેક્ટ થયો હતો.  

લાંગ્યા હેનિપાવાઇરસ શું છે?
આ વાઇરસના કેસ ચીનના શેન્ગડોંગ અને હેનન પ્રાંતમાં ડિટેક્ટ થયા છે. આ વાઇરસનું પ્રાણીઓમાંથી માણસોમાં સંક્રમણ થઈ શકે છે. માણસોથી માણસોને ચેપ લાગી શકે છે કે નહીં એ જાણવા માટે અત્યારે સ્ટડી કરી રહ્યા છે. છછુંદર આ વાઇરસનો સોર્સ હોવાનું જણાવાયું છે, કેમ કે તાઇવાનમાં કરવામાં આવેલી એક સ્ટડીમાં ૨૭ ટકા છછુંદરમાં આ વાઇરસ ડિટેક્ટ થયો હતો. ચાઇનીઝ સંશોધકોએ પણ ૨૬૨ છછુંદરમાંથી ૭૧માં આ વાઇરસ હોવાનું ડિટેક્ટ કર્યું હતું.

કેવાં લક્ષણો જોવાં મળે છે?
આ વાઇરસથી સંક્રમિત લોકોમાં તાવ, થાક, કફ, ભૂખ ન લાગવી, સ્નાયુઓમાં દુખાવો, ઊબકા, માથાનો દુખાવો અને ઊલટી જેવાં લક્ષણો જોવાં મળ્યાં છે. આ વાઇરસના લીધે વાઇટ બ્લડ સેલ્સમાં પણ ઘટાડો થાય છે. લિવર ફેલ્યર અને કિડની ફેલ્યરની પણ શક્યતા છે. 

international news china