✕

લલિત મોદી બન્યા બ્રિટિશ નાગરિક, યુનાઇટેડ કિંગડમને ગણાવ્યું પોતાનું ઘર

16 November, 2026 10:32 AM IST  |  United Kingdom | Gujarati Mid-day Correspondent

ભારતની કોર્ટથી બચવા ઑલરેડી ૨૦૨૫માં સાઉથ પૅસિફિક આઇલૅન્ડ દેશ વાનુઆતુનો ગોલ્ડન પાસપોર્ટ ખરીદીને ભારતની નાગરિકતા ગુમાવી ચૂક્યા છે

લલિત મોદીએ ભારતીય નાગરિકતા સરેન્ડર કરવા માટે ૨૦૨૫ના માર્ચ મહિનામાં જ અરજી કરી દીધી હતી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના  ફાઉન્ડર લલિત મોદીને હવે બ્રિટિશ નાગરિકતા મળી ગઈ છે. શનિવારે તેમણે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે ૨૦૨૬ની ૧૫ સપ્ટેમ્બરે તેમણે બ્રિટનની નાગરિકતા પ્રાપ્ત કરી છે. તેમણે પોતાના જીવનની આ નવી શરૂઆતને `નવો અધ્યાય` ગણાવ્યો હતો.

લલિત મોદીએ ૧૪ નવેમ્બરે `ઑક્સફર્ડ યુનિયન`ને સંબોધતી વખતે આ સમાચાર શૅર કર્યા હતા. સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે `યુનાઇટેડ કિંગડમ છેલ્લાં ઘણાં વર્ષોથી મારું ઘર રહ્યું છે. આ એવો દેશ છે જેનું હું ખૂબ સન્માન કરું છું અને એની પરંપરાઓ અને મૂલ્યોને ચાહું છું. બ્રિટિશ નાગરિક બનવું એક મોટું સૌભાગ્ય અને મોટી જવાબદારી છે, જેને હું ગર્વ અને પોતાનાપણાની ભાવના સાથે સ્વીકારું છું.`

લલિત મોદીએ ઑક્સફર્ડ યુનિયનનો આભાર માનતાં કહ્યું કે આવા પ્રતિષ્ઠિત મંચ પરથી આ સમાચાર આપવા એ યાદગાર ક્ષણ છે. કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસે આ જાહેરાત કરવી એને વધુ ખાસ બનાવે છે. અગાઉ તેમણે ૧૫ સપ્ટેમ્બરે પરિવાર અને મિત્રોની હાજરીમાં બ્રિટિશ નાગરિકતા મળવાની ભવ્ય ઉજવણી પણ કરી હતી.

લલિત મોદીએ ભારતીય નાગરિકતા સરેન્ડર કરવા માટે ૨૦૨૫ના માર્ચ મહિનામાં જ અરજી કરી દીધી હતી. તેમણે સાઉથ પૅસિફિક મહાસાગરમાં આવેલા ટાપુ દેશ વાનુઆતુનો ગોલ્ડન પાસપોર્ટ મેળવ્યો હતો.

international news world news lalit modi united kingdom indian premier league