૧૦૦ આતંકવાદીઓને શૂટ કરી ચૂકેલી ફાઇટર મહિલા ફરી ત્રાટકશે

30 October, 2014 06:04 AM IST  | 

૧૦૦ આતંકવાદીઓને શૂટ કરી ચૂકેલી ફાઇટર મહિલા ફરી ત્રાટકશે




કુર્દિશ મહિલા ફાઇટર રેહાનાનું માથું ISના બળવાખોરોએ વાઢી નાખ્યું હોવાના સમાચાર ખોટા સાબિત થયા છે. આ ફાઇટર જીવંત હોવાનો દાવો મંગળવારે કરવામાં આવ્યો હતો. 

રેહાનાના મિત્રોએ જણાવ્યું હતું કે કુર્દ ફ્રીડમ ફાઇટર્સમાં આદર્શરૂપ ગણાતી રેહાના ISના બળવાખોરોના કોબાને ખાતેના અડ્ડામાંથી ગયા અઠવાડિયે છટકી ગઈ હતી અને હાલ એ દક્ષિણ તુર્કીમાં હોવાનું માનવામાં આવે છે. રેહાના ISના બળવાખોરો પર ફરી ત્રાટકવાની તૈયારી કરી રહી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

કુર્દિશ ફાઇટર્સના જણાવ્યા અનુસાર રેહાનાએ ISના ૧૦૦ આતંકવાદીઓને એકલા હાથે શૂટ કર્યા છે. સિરિયા અને તુર્કીની સીમા પરના કોબાનેમાં વિમેન પ્રોટેક્શન ગ્રુપ તરફથી IS સામે લડતી રેહાના તેના આ પરાક્રમને લીધે વિખ્યાત છે.

કુર્દિશ ફાઇટર્સ રેહાનાને હિંમત અને બહાદુરીના પ્રતીક તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. વિક્ટરી સાઇન દર્શાવતા રેહાનાના પિક્ચરને સોશ્યલ મીડિયા પર ઢગલાબંધ લાઇક્સ મળી હતી. આ ફોટાને ૫,૦૦૦થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવ્યો છે. 

કુર્દ લોકો માટે મહિલા ફાઇટર્સનું ભારે મહત્વ હોય છે. આ મહિલા ફાઇટર્સ IS સામે ટક્કર લેવા બદલ ખુદને ભાગ્યશાળી માનતી હોય છે. એ મહિલા ફાઇટર્સની બહાદુરીના કેટલાક કિસ્સા પણ વિખ્યાત હોય છે.

મહત્વની વાત એ છે કે ISના આતંકવાદીઓ આવી મહિલા ફાઇટર્સથી સૌથી વધુ ડરતા હોય છે. ISના આતંકવાદીઓ માને છે કે યુદ્ધમાં તેમનું મોત કોઈ પુરુષના હાથે થશે તો તેમને સ્વર્ગમાં ૭૨ વર્જિન સ્ત્રીઓ ભોગવવા મળશે, પણ કોઈ મહિલાને હાથે મર્યા તો એકેય સ્ત્રીને ભોગવવાનું સુખ પ્રાપ્ત નહીં થાય.