કુલભૂષણ જાધવની સજા મામલે આજે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી

18 February, 2019 08:39 AM IST  | 

કુલભૂષણ જાધવની સજા મામલે આજે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી

કુલભૂષણ જાધવ

પાકિસ્તાનમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મામલે આજથી ફરી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી શરૂ થશે. હેગના પીસ પેલેસમાં ICJ આજથી 21 ફેબ્રુઆરી સુધી સુનાવણી કરશે. આ સુનાવણી દરમિયાન ભારત તરફથી વકીલ હરીશ સાલ્વે આજે પોતાની દલીલ કરે તેવી શક્યતા છે. તો પાકિસ્તાનના વકીલ ખાવર કુરેશી 19 ફેબ્રુઆરીએ દલીલ કરશે. 20 ફેબ્રુઆરીએ ભારત જવાબ આપશે, છેલ્લે 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાન છેલ્લી દલીલ કરી શક્શે.

ઉલ્લેખનીય છે કે પૂર્વ ભારતીય નેવી અધિકારી કુલભૂષણ જાધવ જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં કેદ છે. પાકિસ્તાનની સૈન્ય અદાલતે તેમને 2017માં મૃત્યુદંડ ફટકાર્યો હતો. જેના વિરુદ્ધ ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરી હતી. આંતરરાષ્ટ્રીય અદાલતે ભારતની અપીલ પર નિર્ણય કરવા માટે જાધવની સજાના અમલ પર રોક લગાવી છે. ભારત આંતરરાષ્ટ્રીય અદાલતમાં પોતાની અરજી અને જવાબ આપી ચૂક્યુ છે. ભારતે કુલભૂષણ જાધવ પરના તમામ આરોપ ફગાવ્યા છે.

આ પણ વાંચોઃ કુલભૂષણ જાધવ કેસમાં પાક.નો દાવ પડ્યો ઉલ્ટો, ભારતનું પલડું ભારે 

પાકિસ્તાનનું કહેવું છે કે સુરક્ષાદળોએ માર્ચ 2016માંથી બલૂચિસ્તાન પ્રાંતમાં પૂર્વ ભારતીય નેવી અધિકારી કુલભૂષણ જાધવની ધરપકડ કરી હતી. પાકિસ્તાનનો દાવો હતો કે કુલભૂષણ જાધવ ત્યાં ઈરાનથી ઘૂસી આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય અદાલતમાં પાકિસ્તાને કુલભૂષણ જાધવ જાસૂસી કરવા અને હિંસા કરવા પાકિસ્તાન આવ્યા હોવાનો દાવો કર્યો હતો.

 

kulbhushan jadhav pakistan