પરફેક્ટ લુક મેળવવા એક અમેરિકન યુવાને ૧૦૦ પ્લાસ્ટિક સર્જરી કરાવી

26 December, 2012 03:21 AM IST  | 

પરફેક્ટ લુક મેળવવા એક અમેરિકન યુવાને ૧૦૦ પ્લાસ્ટિક સર્જરી કરાવી




વેસ્ટર્ન કન્ટ્રીઝમાં છોકરીઓમાં પરફેક્ટ લુક મેળવવા માટેનો ક્રેઝ અત્યંત વ્યાપક છે, પણ અહીં વાત એક એવા છોકરાની છે જેણે ૧૮થી ૩૨ વર્ષ સુધીની ઉંમરમાં પરફેક્ટ લુક મેળïવવા માટે અંદાજે ૧૦૦ પ્લાસ્ટિક સર્જરીઓ કરાવી છે. એટલું જ નહીં, હજી પણ તે વધારે સારો લુક મેળવવા પ્લાસ્ટિક સર્જરી કરાવવા માગે છે.

ન્યુ યૉર્કમાં રહેતા જસ્ટિન જેડલિકા નામનો યુવાન પોતાના શરીરને સૌથી શ્રેષ્ઠ કળાકૃતિ બનાવવા માગે છે. તેનું કહેવું છે કે હું મારા શરીર દ્વારા મારી ક્રીએટિવિટી દર્શાવવા માગું છું. જસ્ટિને અત્યાર સુધી પ્લાસ્ટિક સર્જરીઓ પાછળ એક લાખ ડૉલર (આશરે ૫૫ લાખ રૂપિયા) જેટલી રકમ ખર્ચી નાખી છે. તેણે ગાલ, હોઠ, નાક સહિત શરીરનાં લગભગ તમામ અંગો પર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

જસ્ટિને સૌથી પહેલી પ્લાસ્ટિક સર્જરી ૧૮ વર્ષની ઉંમરે કરાવી હતી. સૌથી પહેલાં તેણે પોતાના નાકને ઠીક કરાવ્યું હતું. હમણાં જ અમેરિકાની એક ટીવી-ચૅનલ પર આવીને તેણે પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. ‘ધ ડૉક્ટર્સ શો’ નામના આ કાર્યક્રમમાં તેની સર્જરી કરનાર ડૉક્ટરો પણ હાજર રહ્યા હતા. ડૉક્ટરોએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં પ્લાસ્ટિક સર્જરીને કારણે તેને પાછલી ઉંમરમાં ઘણા પ્રૉબ્લેમ થઈ શકે છે. જસ્ટિનને પણ આ વાતની જાણ છે તેમ છતાં એ પોતાની ઘેલછા છોડવા માગતો નથી.

ડૉક્ટરોના મતે સંખ્યાબંધ પ્લાસ્ટિક સર્જરીને કારણે તેની ચામડીનો કુદરતી વિકાસ અટકી શકે છે અને શરીરના ટિશ્યુઝ બનતા બંધ થઈ શકે છે. જોકે અત્યાર સુધી તેના શરીરમાં કોઈ પ્રૉબ્લેમ થયો નથી. ડૉક્ટરોએ જ્યારે તેને ચેતવ્યો હતો ત્યારે તેણે જવાબમાં કહ્યું હતું કે ‘આ તો એવી વાત થઈ કે તમે પિકાસોને કહી રહ્યા છો કે પેઇન્ટિંગ ના કરીશ.’