અમેરિકાની ચૂંટણીમાં ઉમેદવારરૂપે ભારતીય મૂળનાં કમલા હૅરિસની પસંદગી

13 August, 2020 08:50 AM IST  |  Mumbai Desk | Agencies

અમેરિકાની ચૂંટણીમાં ઉમેદવારરૂપે ભારતીય મૂળનાં કમલા હૅરિસની પસંદગી

ડેમોક્રૅટિક પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવારરૂપે અશ્વેત મહિલાની પસંદગીનો આ પ્રથમ અવસર છે.

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રૅટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડને પક્ષના ઉપપ્રમુખપદના ઉમેદવારરૂપે ભારતીય મૂળનાં કમલા હૅરિસની પસંદગી કરતાં અમેરિકાની અશ્વેત મહિલાઓમાં ખુશી ફેલાઈ ગઈ હતી. પંચાવન વર્ષનાં કમલા હૅરિસના પિતા જમૈકાના અને માતા ભારતીય છે. અમેરિકાના મુખ્ય રાજકીય પક્ષોમાંથી એક મનાતી ડેમોક્રૅટિક પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવારરૂપે અશ્વેત મહિલાની પસંદગીનો આ પ્રથમ અવસર છે.
કમલા હૅરિસે ગયા જાન્યુઆરી મહિનામાં ડેમોક્રૅટિક પાર્ટી તરફથી ઉમેદવારી જાહેર કરતાંની સાથે તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિપદના સક્ષમ દાવેદાર મનાય છે. કમલા હૅરિસે જણાવ્યું હતું કે ‘અમેરિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનાં સત્તા મંડળોમાં અશ્વેત મહિલાઓને હંમેશાં ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે. એ સ્થિતિને બદલવાનો અવસર આગામી નવેમ્બર મહિનામાં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં મળશે.’
ડેમોક્રૅટિક પાર્ટીની મહિલા પાંખનાં નેતા મિન્યન મૂરે જણાવ્યું હતું કે ‘દેશના ઉપરાષ્ટ્રપતિપદ માટે મહિલાને પસંદ કરવાનો મારો આગ્રહ માન્ય રાખીને જો બાઇડને મારી, કમલાની અને મહિલાઓની યોગ્યતાને શિરોમાન્ય રાખી છે. મહિલાઓ કુટુંબની સેવા અને ઘરકામની પળોજણમાંથી બહાર નીકળીને ટોચના સ્થાને વહીવટી કૌશલ્ય સિદ્ધ કરે એ દિશામાં હજી વિશેષ પ્રયત્નોની જરૂર છે. કમલા અમેરિકામાં રહેતા એશિયનોનું મજબૂત પ્રતિનિધિત્વ કરશે એવી અપેક્ષા રાખું છું.’

international news