મિસ ઇરાકને ધમકી : ISISમાં જોડાઈ જા, નહીં તો અપહરણ

25 December, 2015 03:21 AM IST  | 

મિસ ઇરાકને ધમકી : ISISમાં જોડાઈ જા, નહીં તો અપહરણ



ઇરાકમાં ૪૩ વર્ષ પછી સપ્ટેમ્બરમાં યોજાયેલી બ્યુટી-કૉન્ટેસ્ટમાં ‘મિસ ઇરાક’ બનેલી શાએમા અબ્દેલરહમાનને ISISએ ધમકી આપીને ISISમાં જોડાવાનું કહ્યું છે. ISISએ ફોન કરીને શાએમાને કહ્યું હતું કે જો તું ISISમાં નહીં જોડાય તો તારું અપહરણ કરવામાં આવશે.

૨૦ વર્ષની શાએમા આ ધમકીથી જરાય ડરી નથી. તેણે કહ્યું હતું કે ‘મારે એ સાબિત કરવું છે કે સમાજમાં ઇરાકી મહિલાઓનું પોતાનું સ્થાન હોય છે અને અમને પુરુષો જેવા જ અધિકાર છે. મને કોઈ ડર નથી, કારણ કે મને ખાતરી છે કે હું જે કરી રહી છું એ સાચું છે. ઇરાકનો વિકાસ જોઈને હું ખુશ છું. આ બ્યુટી-કૉન્ટેસ્ટને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને ઇરાકી લોકોના ચહેરા પર ઘણાં વર્ષ પછી સ્માઇલ જોવા મળી હતી.’

૧૯૭૨ પછી પહેલી વાર યોજાયેલી બ્યુટી-કૉન્ટેસ્ટમાં ૧૫૦ યુવતીઓએ ભાગ લીધો હતો, પણ કટ્ટરપંથીઓની ધમકીઓને લીધે ૧૫ યુવતીઓએ નામ પાછું ખેંચી લીધું હતું.

ઇરાકના મોસુલ શહેર સહિત મોટા ભાગના વિસ્તારોમાં ISISનો કબજો છે. સપ્ટેમ્બરમાં યોજાયેલી આ બ્યુટી-કૉન્ટેસ્ટનો ઇરાકમાં તીવ્ર વિરોધ થયો હતો અને એને બિન-ઇસ્લામિક ગણવામાં આવી હતી.

યુવાનોને લલચાવવા પોસ્ટર ગર્લની જરૂર

ISIS આજકાલ યુવાનોને લલચાવવા લલનાઓ અને શાનદાર વિડિયોનો ઉપયોગ કરી રહ્યો છે ગયા વર્ષે આ જ રીતે ઓસ્ટ્રેલિયાની બે ટીનેજરો ઈસ્લામિક સ્ટેટમાં જોડાઈ હતી.  જેમને પોસ્ટર ગર્લ્સ તરીકે રજૂ કરવામાં આવી હતી. આ ટીનેજરોએ સોશ્યલ મીડિયા પર પણ નવા આંતકવાદીઓને ઈસ્લામિક સ્ટેટમાં જોડાવા માટે પ્રચાર કર્યો હતો. ત્યારબાદ યુરોપ અને અમેરિકાથી હજારો યુવકો ઈસ્લામિક સ્ટેટમાં જોડાવા પહોંચી ગયા હતા.