જો બાઇડન અમેરિકા પાછા જતાં નૉર્થ કોરિયાએ છોડ્યાં ૩ મિસાઇલ

26 May, 2022 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચ વર્ષ બાદ ફરી કર્યું ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ

નૉર્થ કોરિયાને જવાબ આપવા માટે સાઉથ કોરિયાએ છોડેલું મિસાઇલ.

સિઓલ : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પ્રદેશમાં પરમાણુ શસ્ત્રોની હોડને રોકવા માટેનાં પગલાં લેવાની સંમતિ દર્શાવી હતી. જોકે, નૉર્થ કોરિયાએ ગઈ કાલે ત્રણ મિસાઇલ છોડ્યાં હતાં જેમાં એનાં ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅ​લિસ્ટિક મિસાઇલ હતાં. સાઉથ કોરિયાના ડેપ્યુટી નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝરે કહ્યું હતું કે તેઓ હજી પણ પરમાણુ પરીક્ષણની તૈયારીઓ કરી રહ્યા છે.’ આ પરીક્ષણના વિરોધમાં અમેરિકા તથા સાઉથ કોરિયાએ સંયુકત કવાયત પણ યોજી હતી. જેમાં જમીનથી જમીન પર હુમલો કરનારું મિસાઇલ અમેરિકાની આર્મી ટેક્ટ‌િકલ મિસાઇલ સિસ્ટમના ઉપયોગથી પરીક્ષણ કરાયું હતું. 
સાઉથ કોરિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે નૉર્થ કોરિયાએ ઘણાં મિસાઇલોનાં પરીક્ષણ કર્યાં હતાં જેમાં પાંચ વર્ષ બાદ પહેલી વખત ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલિસ્ટિક મિસાઇલના પરીક્ષણનો સમાવેશ થાય છે. નૉર્થ કોરિયાને જવાબ આપવા માટે સાઉથ કોરિયાએ પણ મિસાઇલ છોડ્યું હતું. 
નૉર્થ કોરિયાએ રાજધાની પ્યોંગયાંગ નજીક આવેલા સુનાન વિસ્તારમાં અંદાજે એક કલાકમાં ત્રણ મિસાઇલો વારાફરતી છોડ્યાં હતાં જેનો ઇરાદો રાજકીય હતો, કારણ કે સાઉથ કોરિયાએ વ્યૂહાત્મક સ્થળોએ વધારે પ્રમાણમાં અમેરિકાનો કાફલો તહેનાત કરવા માટે સંમત‌િ દર્શાવી હતી. અમેરિકાના પ્રવક્તાએ ગઈ કાલે નૉર્થ કોરિયાને ઉશ્કેરણીથી દૂર રહેવા તેમ જ સાર્થક વાતચીત કરવા જણાવ્યું હતું. ​બાઇડન અમેરિકા પરત ફર્યા એના થોડા કલાકો બાદ રશિયા તેમ જ ચીનના બૉમ્બર વિમાનો જપાન અને સાઉથ કોરિયાનાં હવાઈ સંરક્ષણ ક્ષેત્રો નજીક સંયુક્ત પૅટ્રોલિંગ માટે ઊડતાં જોવા મળ્યાં હતાં. 

world news joe biden