બાઇડને 8 નિર્ણય બદલ્યા:મુસ્લિમો પરની બંધી હટી, અમેરિકામાં માસ્ક ફરજિયાત

22 January, 2021 12:24 PM IST  |  Mumbai | Agencies

બાઇડને 8 નિર્ણય બદલ્યા:મુસ્લિમો પરની બંધી હટી, અમેરિકામાં માસ્ક ફરજિયાત

શપથ સમારોહ બાદ વોશિંગટન ડીસીમાં આવેલા વ્હાઇટહાઉસની બ્લુ રૂમ બાલ્કનીમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફસ્ટ લેડી જીલ બાઇડન. તસવીર : એ.એફ.પી.

વૉશિંગ્ટન ઃ (જી.એન.એસ.) અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સત્તા સંભાળતાંની સાથે જ ઍક્શનમાં આવી ગયા છે. બાઇડને એક પછી એક તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પના અનેક નિર્ણયોને રદ કરીને ઘણા કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. દરમ્યાન બાઇડને પણ પ્રવાસીઓને રાહત આપતા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશથી ૧.૧ કરોડ એવા પ્રવાસીઓને ફાયદો થશે જેની પાસે કોઈ કાયદાકીય દસ્તાવેજ નથી અને એમાં લગભગ પાંચ લાખ ભારતીયો છે.
બાઇડને કોરોના વાઇરસ વિશેના ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેના હેઠળ માસ્કને ફેડરલ પ્રૉપર્ટી જાહેર કરાઈ છે. એટલે કે દરેક વ્યક્તિએ મહામારી દરમ્યાન માસ્ક પહેરવો જરૂરી રહેશે. જો તમે સરકારી બિલ્ડિંગમાં છો અથવા કોરોના હેલ્થવર્કર છો તો સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત હશે. ટ્રમ્પે માસ્ક માટે કોઈ સખતાઈ નહોતી કરી.
જો બાઇડને શપથ લીધા બાદ સૌપ્રથમ ઇમિગ્રેશન સિસ્ટમમાં સંપૂર્ણપણે ફેરફાર કરવાનું શરૂ કર્યું. તેમના આદેશ હેઠળ ઘણા દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા જે ટ્રમ્પના વિવાદાસ્પદ ઇમિગ્રેશન નીતિઓને બદલનાર છે. જો બાઇડને અમેરિકન કૉન્ગ્રેસને વિનંતી કરી છે કે ૧.૧ કરોડ ગેરકાયદે પ્રવાસીઓને સ્થાયી દરજ્જો અને તેમના નાગરિકત્વ માટેનો માર્ગ મોકળો કરતાં કાયમી દરજ્જાની ખાતરી કરવા માટેનો કાયદો બનાવ્યો. એક અનુમાન મુજબ ભારતીય મૂળના લગભગ પાંચ લાખ લોકો એવા છે જેમની પાસે કાયદાકીય દસ્તાવેજ નથી.
બાઇડને મેક્સિકો બૉર્ડરના ફન્ડિંગ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રમ્પે મેક્સિકોથી આવતા પ્રવાસીઓને જોતાં દીવાલ બનાવવાને નૅશનલ ઇમર્જન્સી ગણાવી હતી.
બાઇડને મુસ્લિમો પરનો પ્રતિબંધ હટાવવાના ટ્રમ્પના નિર્ણયને પલટી નાખ્યો છે. ૨૦૧૭માં ટ્રમ્પે મુસ્લિમ બહુમતી ધરાવતા સાત દેશો ઇરાક, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન, સિરિયા અને યમન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બાઇડને આ દેશોના લોકો માટે વીઝા-પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. એની સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જેમને નુકસાન થયું છે તેમને વળતર આપવા માટે પ્રયત્નો કરવા જોઈએ.

international news united states of america joe biden