ઝકી-ઉર-રહેમાન લખવી જેલમાં હોવા છતાં એક બાળકનો પિતા બન્યો

20 December, 2014 05:30 AM IST  | 

ઝકી-ઉર-રહેમાન લખવી જેલમાં હોવા છતાં એક બાળકનો પિતા બન્યો



હાફિઝ સઈદ પછીનો લશ્કર-એ-તય્યબાનો બીજા ક્રમનો સર્વોચ્ચ આતંકવાદી ઝકી-ઉર-રહેમાન લખવી રાવલપિંડીની હાઈ-સિક્યૉરિટી અડિયાલા જેલમાં એશોઆરામની જિંદગી જીવી રહ્યો છે. ૨૦૦૮ના મુંબઈ પરના આતંકવાદી હુમલા પછી પકડવામાં આવેલા ઝકી-ઉર-રહેમાન લખવીને જેલમાં ટેરરિસ્ટની જેમ નહીં, પણ સરકારી મહેમાનની જેમ રાખવામાં આવે છે અને માનપાન આપવામાં આવે છે. આટલું ઓછું હોય એમ ઝકી-ઉર-રહેમાન લખવી કારાવાસમાં હતો એ દરમ્યાન એક બાળકનો પિતા પણ બન્યો હતો. 

૧૬૬ લોકોના જીવ લેનારા મુંબઈ પરના ૨૬-૧૧-૨૦૦૮ના આતંકવાદી હુમલાના સહ-આરોપી અબુ જુંદાલે ઉપરોક્ત માહિતી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને આપી હતી. સમુદ્રમાર્ગે મુંબઈ પર હુમલો કરવા આવેલા અજમલ કસબ અને નવ અન્ય આતંકવાદીઓને ઝકી-ઉર-રહેમાન લખવી અને ભારતમાં જન્મેલા અબુ જુન્દાલે સાથે મળીને ટ્રેઇનિંગ આપી હતી. અબુ જુન્દાલના જણાવ્યા અનુસાર ઝકી-ઉર-રહેમાન લખવીએ પોતાના લગ્ન અને એ પછી પિતા બન્યાની માહિતી આપવા માટે અબુ જુન્દાલને અડિયાલા જેલમાં બોલાવ્યો હતો. ઝકી-ઉર-રહેમાન લખવી કારાવાસ દરમ્યાન એક બાળકનો પિતા બન્યો હોવાની માહિતી એકદમ ગુપ્ત રાખવામાં આવી છે અને એની જાણ લશ્કર-એ-તય્યબાના સભ્યોને પણ નથી.

અમેરિકન સરકારે પોતાને મળેલી ગુપ્ત માહિતી ભારત સરકારને આપતાં જણાવ્યું હતું કે ઝકી-ઉર-રહેમાન લખવી જેલમાં મોબાઇલ ફોનનો છૂટથી ઉપયોગ કરી શકે છે અને જેલમાં બેઠાં-બેઠાં લશ્કર-એ-તય્યબાનાં આતંકવાદી કૃત્યોનું આયોજન કરતો રહે છે. ઝકી-ઉર-રહેમાન લખવીને પાકિસ્તાની સત્તાવાળાઓ અને ખાસ કરીને ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ તથા લશ્કર દ્વારા સજ્જડ સંરક્ષણ મળી રહ્યું હોવાની માન્યતા નીચે આ હકીકત ઘટ્ટ લીટી દોરે છે. પાકિસ્તાન માટે ઝકી-ઉર-રહેમાન લખવી એટલો બધો મહત્વનો માણસ છે કે હાઈ-સિક્યૉરિટી જેલમાં કેદ રાખવામાં આવ્યો હોવા છતાં એક મિલિટરી કમાન્ડર એનું રક્ષણ કરે છે.