ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતાં 2880 લોકોને સ્થળાંતરિત કરાયા

01 December, 2020 10:47 AM IST  |  Jakarta | Agency

ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતાં 2880 લોકોને સ્થળાંતરિત કરાયા

ફાઈલ તસવીર

પૂર્વીય ઇન્ડોનેશિયામાં રવિવારે જ્વાળામુખી ફાટ્યો હતો, જેની જ્વાળાઓ ૪૦૦૦ ફીટ જેટલી ઊંચે ઊઠી હતી. જ્વાળામુખી ફાટતાં સેંકડો લોકોને સ્થળાંતરિત કરાયા હતા. જ્વાળામુખી ફાટતાં પૂર્વીય નુસા ટેનગરા રાજ્યના લેમ્બાતા દ્વીપ પર આવેલી ઇલી લેવોટોલોક ટેકરીના ઢોળાવ પરનાં લગભગ ૨૮ જેટલાં ગામોમાંથી ૨૮૮૦ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હોવાનું ડિઝૅસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તા રાદિત્ય જાટીએ કહ્યું હતું. જોકે જ્વાળામુખી ફાટ્યાના પગલે કોઈને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું નથી.

પરિવહન મંત્રાલયે કહ્યું હતું કે ‘જ્વાળામુખી ફાટતાં જ ફ્લાઇટ અંગેની ચેતવણી આપવામાં આવી હતી અને દ્વીપના મોટા ભાગના વિસ્તારોમાં જ્વાળાની રાખ ઊડતાં સ્થાનિક ઍરપોર્ટને બંધ કરવામાં આવ્યાં હતાં.

માઉન્ટ ઇલી લેવોટોલોકનો જ્વાળામુખી છેલ્લે ઑક્ટોબર ૨૦૧૭માં ફાટ્યો હતો. જ્વાળામુખી અને ભૂસ્તરશાસ્ત્રીય જોખમ મિટિગેશન કેન્દ્રએ રવિવારે સેન્સર દ્વારા વધતી ગતિવિધિઓ બાદ જ્વાળામુખીની ચેતવણી જાહેર કરી હતી. ઇન્ડોનેશિયામાં હાલમાં સક્રિય જ્વાળામુખીમાં જાવા દ્વીપ પર મેરાપી અને સુમાત્રા દ્વીપ પર સિનાબંગ બાદ ૫૪૨૩ મીટર એટલે કે ૧૭૭૯૦ ફીટ ઊંચો માઉન્ટ ઇલી લેવોટોલોકનો જ્વાળામુખી મુખ્ય છે.

ઇન્ડોનેશિયામાં ૧૨૦ કરતાં વધુ સક્રિય જ્વાળામુખી છે. જ્વાળામુખી ફાટ્યા બાદ ડિઝૅસ્ટર મિટિગેશન એજન્સીએ ગામલોકોને અને પહાડ ચઢનારાઓને જ્વાળામુખીના મુખથી ૪ કિલોમીટર દૂર રહેવા સલાહ આપી હતી.

indonesia jakarta international news