જબલપુર એરપોર્ટ પર પણ સુરતવાળી થતા થતા રહી ગઈ

17 November, 2014 08:58 AM IST  | 

જબલપુર એરપોર્ટ પર પણ સુરતવાળી થતા થતા રહી ગઈ




જબલપુર : તા, 17 નવેમ્બર

દિલ્હીથી આવી રહેલુ વિમાન અહીંના ડુમના એરપોર્ટ ઉતરાન કરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે અચાનક જ રન વે પર એક જાનવર આવી ચડ્યું હતું. પાયલોટે સતર્કતા દાખવી વિમાનને લેન્ડ કરવાના બદલે ફરીથી ટેક ઓફ કરાવ્યું હતું. 10 મીનીટ બાદ પાયલોટે બીજા પ્રયત્ને વિમાનનું સુરક્ષીત લેન્ડિંગ કરાવ્યું હતું.

એર ટ્રાફિક કંન્ટ્રોલર સંતોષ સિંહે ઘટનાની જાણકરી આપી હતી, પરંતુ વિમાન સામે આવનાર જાનવર કયું હતું તે બાબતે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો .

ઘટના જબલપુરના ડુમના એરપોર્ટ પર દિલ્હીથી જબલપુર આવી રહેલા સ્પાઈસ જેટના વિમાન સાથે ઘટી હતી. વિમાન સવારે 9:26 વાગ્યાના ઉતરાણ દરમિયાન માત્ર 15 ફૂટની ઉંચાઈ પર હતું ત્યારે પાઈલોટને રન વે પર કોઈ જાનવર નજરે પડ્યું હતું. સમયસૂચકતા પારખી પાયલોટે તરત જ વિમાનને ફરીથી ટેક ઓફ કરાવી લીધું હતું. જેથી વિમાનમાં સવાર 67 મુસાફરોના માથેથી મોટી ઘાત ટળી હતી. પાયલોટે તત્કાળ એટીસીને ઘટનાની જાણકારી આપી હતી.

લેન્ડિંગ દરમિયાન ઘટેલી ઘટનાની જાણ કરવામાં આવતા તમામ મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતાં. બધા જ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો જે બીજા રાઉન્ડમાં વિમાનના સુરક્ષીત ઉતરાણ સુધી યથાવત રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાન સાથે ભેંસ અથડાઈ હતી. આ ઘટનાએ લોકોમાં ભારે કુતૂહલ સર્જ્યુ હતું.