ઇઝરાયેલે સીરિયા પર કર્યો મિસાઇલ હુમલો : પાંચના મોત, ૧૫ ઘાયલ

20 February, 2023 11:55 AM IST  |  Damascus | Gujarati Mid-day Online Correspondent

વિદેશ અને પ્રવાસી મંત્રાલયે આપી પ્રતિક્રિયા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

સીરિયા (Syria) હજી સુધી ભૂકંપના આંચકામાંથી બહાર નથી આવ્યું ત્યાં તેની રાજધાની દમાસ્કસ (Damascus) પર ઇઝરાયેલ (Israel)એ હવાઈ હૂમલો કર્યો છે. ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા છે અને ૧૫ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલાથી દમાસ્કસમાં ભારે નુકસાન થયું છે. ઘટના બાદ સ્થાનિક લોકો આઘાતમાં છે. આ હુમલા પર વિદેશ અને પ્રવાસી મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે.

ઇઝરાયેલે સીરિયા પર મિસાઇલ હુમલો કર્યો છે. વિદેશ અને પ્રવાસી મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, ‘સીરિયાને આશા છે કે યુએન સચિવાલય અને સુરક્ષા પરિષદ આ બાબતને ગંભીરતાથી લેશે અને ઇઝરાયેલના હુમલાની નિંદા કરશે, તેમને રોકવા માટે જરૂરી પગલાં લેશે. તેમજ આ ઘટના અંગે તેમની જવાબદારી નક્કી કરશે. સંયુક્ત રાષ્ટ્ર સચિવાલય અને સુરક્ષા પરિષદ વતી ગુનેગારોને સજા મળવી જોઈએ. આ ઘટના ફરી ન બને તે સુનિશ્ચિત કરવું જોઈએ.’

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘જ્યારે સીરિયા તેના ઘાને મટાડવાનો, તેના શહીદોને દફનાવવાનો અને વિનાશક ભૂકંપનો સામનો કરવા માટે સંવેદના, સહાનુભૂતિ અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે જ ઇઝરાયેલી યુનિટે હવાઈ હુમલો કર્યો. આ ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે.’

બીજી તરફ ઇઝરાયેલની સેનાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ પહેલા ઇઝરાયેલ દમાસ્કસની આસપાસના વિસ્તારોને હવાઈ હુમલાથી નિશાન બનાવી રહ્યું છે પરંતુ હાલના સમયમાં સીરિયા ભૂકંપના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.

આ પણ વાંચો - તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપે કેવી તબાહી મચાવી, જુઓ તસવીરોમાં

તમને જણાવી દઈએ કે, છ ફેબ્રુઆરીના રોજ તુર્કી અને સીરિયામાં ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ૫,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, તુર્કી અને સીરિયામાં ભૂકંપ બાદ મૃત્યુઆંક ૪૬,૦૦૦ને પાર કરી ગયો છે.

તુર્કી અને સીરિયામાં ત્રાટકેલા વિનાશક ભૂકંપ પછી આ પહેલો હુમલો છે. મંત્રાલયે કહ્યું કે, ‘ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલ આ હવાઈ હુમલો લોકોમાં ભય પેદા કરવાનો પ્રયાસ છે. હુમલામાં રાજધાનીના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ‘

સીરિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ‘અમારી સેનાએ હુમલાનો જવાબ આપ્યો અને ઘણી ઇઝરાયેલ મિસાઇલોને તોડી પાડી છે. જોકે ઘણી મિસાઇલો રહેણાંક વિસ્તારોમાં પડી છે, જેના કારણે નુકસાન થયું છે.’

આ પણ વાંચો - અનોખાં ટ્‍વિન્સ, એક નવજાત બાળકીના પેટમાં મળ્યો ગર્ભ

મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘પેલેસ્ટિનિયન અને સીરિયન લોકો વિરુદ્ધ આ ક્રૂર હુમલાઓ અને ગુનાઓનું ચાલુ રહે એ પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા માટે સ્પષ્ટ ખતરો છે. સીરિયન પ્રદેશ પર ઇઝરાયેલની આક્રમક ક્રિયાઓને રોકવા માટે તાત્કાલિક આંતરરાષ્ટ્રીય પગલાંની જરૂર છે.’

international news israel syria turkey