મોબાઇલ ફોનના વધુપડતા ઉપયોગથી કૅન્સરનો ખતરો

31 July, 2013 11:36 AM IST  | 

મોબાઇલ ફોનના વધુપડતા ઉપયોગથી કૅન્સરનો ખતરો



ઇઝરાયલના વિજ્ઞાનીઓએ તેમના સંશોધનના તારણમાં એવો દાવો કર્યો છે કે મોબાઇલ ફોનના વધારે પડતા ઉપયોગને કારણે કૅન્સર થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. ઇઝરાયલની તેલ અવીવ યુનિવર્સિટીના ડૉ. યેનિવ હેમઝાની નામના સંશોધકે અનેક મોબાઇલ ફોનધારકોની લાળનો અભ્યાસ કર્યો હતો. મોબાઇલ ફોનને મોઢાની નજીક રાખવામાં આવતો હોવાથી વિજ્ઞાનીઓનું માનવું હતું કે કૅન્સરની શક્યતા ધરાવતા સંકેતો લાળમાંથી મળી શકે છે.

તારણોમાં એવું જાણવા મળ્યું હતું કે જે લોકો મોબાઇલ ફોનનો વધુ ઉપયોગ કરતા હતા તેમની લાળમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ નામની પ્રક્રિયાનું પ્રમાણ અતિશય જોવા મળ્યું હતું. આ રાસાયણિક પ્રક્રિયા શરીરના કોષોને નુકસાન પહોંચાડીને કૅન્સર પેદા કરવામાં મોટી ભૂમિકા ભજવે છે.

મોબાઇલ ફોનની આરોગ્ય પર થતી અસરો વિશે અગાઉ અનેક સંશોધનો થયાં હતાં, પણ હજી સુધી ક્યારેય નક્કર તારણો બહાર આવ્યાં નથી. ઇન્ટરનૅશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કૅન્સર નામની સંસ્થાએ મોબાઇલ ફોન દ્વારા યુઝ કરવામાં આવતા રેડિયો ફ્રીકવન્સી ઇલેક્ટ્રૉ-મૅગ્નેટિક ફીલ્ડને મનુષ્યમાં સંભવિતપણે કૅન્સર પેદા કરી શકે છે એવી કૅટેગરીમાં મૂક્યા છે.