વિવાદિત ફિલ્મને કારણે મુસ્લિમ દેશોમાં અમેરિકા વિરુદ્ધ ઉકળાટ

14 September, 2012 05:54 AM IST  | 

વિવાદિત ફિલ્મને કારણે મુસ્લિમ દેશોમાં અમેરિકા વિરુદ્ધ ઉકળાટ



ઇસ્લામનું અપમાન કરતી અમેરિકામાં બનેલી ફિલ્મ ‘ઇનોસન્સ ઑફ મુસ્લિમ્સ’ને લઈને દુનિયાભરના મુસ્લિમ દેશોમાં અમેરિકા વિરુદ્ધ ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. આ દેખાવોના પરિણામે જ લિબિયામાં અમેરિકી રાજદૂતની હત્યા બાદ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ગઈ કાલે આ તમામ દેશોમાં અમેરિકી દૂતાવાસની સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો હતો. ગઈ કાલે યમનના સના શહેરમાં ઉગ્ર દેખાવકારોએ અમેરિકી દૂતાવાસની અંદર ઘૂસીને તોડફોડ કરી હતી તથા વાહનો સળગાવી દીધાં હતાં. આ પહેલાં દૂતાવાસના કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.

આ તરફ ઇજિપ્તની રાજધાની કેરો સહિતનાં શહેરોમાં પણ અમેરિકા વિરુદ્ધ ઉગ્ર દેખાવો થયા હતા. કેરોમાં મોટી સંખ્યામાં દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં પોલીસે પણ કડક વલણ અપનાવ્યું હતું. અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, લિબિયા, ટ્યુનિશિયા સહિતના દેશોમાં પણ વિવાદાસ્પદ ફિલ્મના મુદ્દે અમેરિકાવિરોધી દેખાવો થયા હતા જેમાં દેખાવકારોએ અમેરિકા તથા ઇઝરાયલના ધ્વજ સળગાવ્યા હતા.

મંગળવારે લિબિયાના બેનગાઝી શહેરમાં રૉકેટ-અટૅકમાં અમેરિકી રાજદૂત ક્રિસ્ટોફર સ્ટીવન્સના મોત બાદ ગઈ કાલે અમેરિકાએ યુદ્ધજહાજો લિબિયા તરફ રવાના કર્યા હતાં. અમેરિકી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તકેદારીનાં પગલાંના ભાગરૂપ આ પગલું ભરવામાં આવ્યું છે.

વિવાદનું કારણ ફિલ્મ ઇનોસન્સ ઑફ મુસ્લિમ્સ

દુનિયાભરના મુસ્લિમ દેશોમાં જે ફિલ્મને કારણે અમેરિકા વિરુદ્ધ ઉગ્ર દેખાવો શરૂ થયા છે એ ફિલ્મ ‘ઇનોસન્સ ઑફ મુસ્લિમ્સ’ લો-બજેટની અંગ્રેજી ફિલ્મ છે. ઇઝરાયલથી અમેરિકા આવેલા સૅમ બેસાઇલ નામના ૫૬ વર્ષના રિયલ એસ્ટેટ ડેવલપરે આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં મોહમ્મદ પયગંબરસાહેબની ઠેકડી ઉડાડવામાં આવી છે. ઇન્ટરનેટ પર આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં દુનિયાભરના મુસ્લિમો નારાજ થયા છે. બે કલાકની ફિલ્મના પહેલા ભાગમાં ઇજિપ્તમાં મુસ્લિમો દ્વારા ખ્રિસ્તીઓ પર થતો અત્યાચાર દર્શાવવામાં આવ્યો છે. બીજા ભાગમાં પયગંબરસાહેબનું જીવન દર્શાવવામાં આવ્યું છે જેમાં તેમને કથિતપણે વ્યભિચારી તરીકે દર્શાવવામાં આવ્યા છે. પયગંબરસાહેબનું પાત્ર એક અજાણ્યા અમેરિકી ઍક્ટરે નિભાવ્યું છે.