વર્લ્ડનો મોસ્ટ વૉન્ટેડ ટેરરિસ્ટ અલ-બગદાદી હણાયો

28 October, 2019 08:17 AM IST  |  વૉશિંગ્ટન

વર્લ્ડનો મોસ્ટ વૉન્ટેડ ટેરરિસ્ટ અલ-બગદાદી હણાયો

આખરે બગદાદી હરાયો

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે સાંજે વર્લ્ડના મોસ્ટ વૉન્ટેડ ટેરરિસ્ટ અને ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)નો આકા અબુ બકર અલ-બગદાદી માર્યો ગયો હોવાના સમાચારની પુષ્ટિ કરી હતી. સિરિયામાં અમેરિકન લશ્કરે હાથ ધરેલા ખાસ ઑપરેશનમાં તેમને આ સફળતા મળી હતી.
ટ્રમ્પે ગઈ કાલે સાંજે એક પ્રેસ-કૉન્ફરન્સમાં આ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે અમેરિકન સેનાએ વિશ્વના નંબર-વન આતંકવાદીને હણી કાઢ્યો છે.
અમેરિકન મીડિયા-રિપોર્ટ પ્રમાણે સેનાએ કરેલા હુમલા બાદ બગદાદીએ આત્મહત્યા કરી લીધી હતી. તેણે પોતાને બૉમ્બથી ઉડાડી દીધો હતો, જેમાં તેની સાથે તેના ત્રણ પુત્રોનાં પણ મોત નીપજ્યાં હતાં. જોકે બગદાદીના મૃત શરીરના ડીએનએ રિપોર્ટ બાદ જ વાસ્તવિકતા સામે આવશે કે તેનું મોત કઈ રીતે થયું છે.
બગદાદીનું આ હણાવું ટ્રમ્પ સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ તરીકે જોવાઈ રહી છે. આ ઑપરેશન સમયે ટ્રમ્પે વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સ સાથે આ સમગ્ર ઘટના પર નજર રાખી હતી.
યુએસના લશ્કરે ઇદલિબમાં એક અત્યંત ગુપ્ત રેઇડ દરમ્યાન અલ-બગદાદીને ઠાર કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આતંકવાદી સંગઠન આઇએસનો સર્વેસર્વા ગણાતા અબુ બકર અલ-બગદાદી ઉપર ૧૭૦ કરોડ (૨૫ મિલ્યન યુએસ ડૉલર)નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
શનિવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘કંઈક ખૂબ જ મોટું થયું છે.’ ટ્રમ્પના ટ્વીટ બાદ આ અંગેની અટકળો વધુ પ્રબળ બની હતી. યુએસએ ૨૦૦૩માં ઇરાક પર કબજો મેળવ્યા બાદથી અલ-બગદાદી યુએસ લશ્કર વિરુદ્ધ સક્રિય હતો. આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં પણ અલ-બગદાદીને ઠાર મરાયો હોવાના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
આઇએસ આતંકવાદી સંગઠન ઇરાક અને સિરિયામાં મોટા પાયે સક્રિય હતું અને આ જૂથ મધ્ય પૂર્વ તેમ જ વિદેશમાં અનેક ઠેકાણે આતંકવાદી પ્રવૃત્તિ માટે કુખ્યાત થયું હતું. આઇએસના આકાને ઠાર કરવા માટે ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય જૂથો એકસાથે આવ્યાં હતાં અને સિરિયા તેમ જ ઇરાકમાં તેની શોધખોળ આદરી હતી, પરંતુ તે ક્યાં છુપાયો છે એ વિશે કોઈને માહિતી ન હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ અબોટ્ટાબાદમાં અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને પણ ખાસ ઑપરેશન હાથ ધરીને ઠાર કર્યો હતો. ત્યાર બાદ યુએસ દ્વારા આ બીજું સફળ ઑપરેશન હશે જેમાં બીજા આતંકવાદી મોટા માથાને ઠાર કરી દેવામાં આવ્યો હોય.

united states of america donald trump