આતંકવાદી સંગઠન IS દ્વારા ચોથી હત્યા : જેહાદી જૉને બ્રિટિશ નાગરિકનું માથું કાપ્યું

05 October, 2014 05:36 AM IST  | 

આતંકવાદી સંગઠન IS દ્વારા ચોથી હત્યા : જેહાદી જૉને બ્રિટિશ નાગરિકનું માથું કાપ્યું




આતંકવાદી સંગઠન IS દ્વારા કુખ્યાત નકાબપોશ જેહાદી જૉને બ્રિટનના ૪૭ વર્ષના નાગરિક ઍલન હેનિંગના માથાને કાપતો વિડિયોને ઑનલાઇન પોસ્ટ કરવામાં આવ્યો છે. જેહાદી જૉને આ પહેલાં અમેરિકન પત્રકારો જેમ્સ ફોલી, સ્ટીવન સૉટલૉફ અને બ્રિટનના જૉન હેન્સની પણ આ જ રીતે હત્યા કરી હતી. ઍલન હેનિંગ સિરિયામાં મુસ્લિમોના કલ્યાણ માટે ચલાવવામાં આવતી સંસ્થા માટે કામ કરતો હતો.

આ વિડિયોમાં હેનિંગને મજબૂર કરીને એમ કહેતો દર્શાવવામાં આવ્યો છે કે ‘હું ઍલન હેનિંગ છું. બ્રિટનની સંસદે IS પર હુમલો કરવાનો નિર્ણય લીધો છે અને એથી બ્રિટિશ નાગરિક હોવાના નાતે મારે આ નિર્ણયની કિંમત ચૂકવવી પડી રહી છે.’

હેનિંગ આટલું કહે છે એ પછી જેહાદી જૉન તેનું માથું વાઢી નાખે છે. એ પછી વિડિયો બ્લૅક થઈ જાય છે અને હેનિંગનું શબ રણની રેતીમાં પડેલું નજરે પડે છે.

હવે અમેરિકનનો વારો

વિડિયો પૂરો થાય છે ત્યારે અમેરિકાના ભૂતપૂર્વ સૈનિક પીટર કૈસિંગને બતાવવામાં આવે છે અને તેનું માથું પણ વાઢી નાખવામાં આવશે એવી ધમકી આપવામાં આવે છે. પીટર કૈસિંગ ઇરાક યુદ્ધમાં ભાગ લઈ ચૂક્યા છે અને તેઓ બીરુતમાં રહીને સિરિયાના સંકટ દરમ્યાન લોકોની મદદ માટે સંસ્થા ચલાવી રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.

ISને નષ્ટ કરીશું : ઓબામા

ઍલન હેનિંગની હત્યાના પગલે અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામાએ કહ્યું હતું કે ‘તેની હત્યા કરનારા જવાબદાર લોકોને ન્યાયની ર્કોટમાં લાવીશું અને ISને નષ્ટ કરીશું. આ માટે બ્રિટન સહિત અનેક દેશો એકસાથે ઊભા છે.’