ઈરાનના સંસદભવનમાં સ્ત્રીના વેશમાં ઘૂસ્યા ISના ટેરરિસ્ટો

08 June, 2017 04:36 AM IST  | 

ઈરાનના સંસદભવનમાં સ્ત્રીના વેશમાં ઘૂસ્યા ISના ટેરરિસ્ટો



ઇરાનના સંસદભવન અને દેશના ક્રાન્તિકારી સ્થાપકના મકબરા પર બંદૂકધારીઓ તથા આત્મઘાતી હુમલાખોરોએ ગઈ કાલે કરેલા હુમલામાં કમસે કમ ૧૨ લોકોનાં મોત થયાં હતાં. ઈરાનમાં આ હુમલા પોતે પ્રથમ વાર કરાવ્યા હોવાનો દાવો ISએ કર્યો હતો. ઈરાનની ઇમર્જન્સી સર્વિસિસના જણાવ્યા મુજબ આ હુમલામાં ૩૩થી વધુ લોકો ઘવાયા હતા. બે હુમલા પછીના ત્રીજા હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હોવાનું ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું.

તેહરાનસ્થિત ઈરાનના સંસદભવનમાં રાઇફલ્સ અને પિસ્તોલ સાથે ધસી ગયેલા ચાર બંદૂકધારીઓએ કરેલા ગોળીબારમાં એક સિક્યૉરિટી ગાર્ડનું તથા અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસ સાથેની અથડામણ કલાકો સુધી ચાલુ રહેતા એક હુમલાખોરે પાર્લમેન્ટ ઑફિસ-બિલ્ડિંગના ચોથા માળે ખુદને ફૂંકી માર્યો હતો. હુમલાખોરો મહિલાઓના વેશમાં જાહેર જનતા માટેના દરવાજા મારફત સંસદભવનમાં પ્રવેશ્યા હતા.

તેહરાનની દક્ષિણે આવેલા આયાતોલ્લા ખોમેનીના મકબરાના મેદાનમાં મોડી સવાર પછી પ્રવેશેલા સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા સંકલિત હુમલામાં એક માળીનું મોત થયું હતું અને બીજા અનેક લોકો ઘવાયા હતા. હુમલાખોરો પૈકીની એક મહિલા અને એક પુરુષે મજારની બહાર ખુદને ફુંકી માર્યા હતાં.

ISએ એની પ્રચાર એજન્સી મારફત દાવો કર્યો હતો કે અમારા યૌદ્ધાઓએ ખોમેનીના મકબરા તથા સંસદભવન પર હુમલો કર્યો છે. બે આત્મઘાતી હુમલાખોરોએ મકબરા ખાતે ખુદને ફૂંકી માર્યા હોવાનો દાવો પણ ISએ કર્યો હતો અને આ હુમલાનો વિડિયો પણ પોસ્ટ કર્યો હતો.

હુમલા કરવામાં આવ્યો ત્યારે સંસદની કાર્યવાહી ચાલુ હતી. આજુબાજુનાં ઑફિસ-બિલ્ડિંગોમાં સામસામા ગોળીબાર ચાલુ હતા અને સ્નાઇપર્સ નજીકનાં છાપરાંઓ પર પોઝિશન લેતા હતા ત્યારે સંસદની કાર્યવાહીના લાઇવ ફુટેજમાં સંસદસભ્યો રાબેતા મુજબની કામગીરી કરતા જોવા મળ્યા હતા.

જોરદાર ગોળીબારનો અવાજ સંસદભવનની નજીકની ઑફિસોમાં પણ સાંભળવા મળ્યો હતો. પોલીસ કર્મચારીઓને બારીઓ મારફત બહાર નીકળવામાં મદદ કરી રહી હોવાના ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર જોવા મળ્યા હતા.

કેમ કરવામાં આવ્યો અટૅક?


૧૯૭૯ની ઇસ્લામી ક્રાન્તિ બાદનાં ખળભળાટભર્યા પ્રારંભિક વર્ષો પછી તેહરાનમાંનો આ સૌથી ગંભીર આતંકવાદી હુમલો છે. ઈરાન એના પાડોશી દેશો કરતાં વધારે સ્થિર તથા સલામત છે. આ પરિસ્થિતિમાં રહેવા ટેવાયેલા સામાન્ય નાગરિકોને પ્રસ્તુત હુમલાથી જોરદાર આઘાત લાગ્યો છે. ઇરાક અને સિરિયામાં IS સામેના યુદ્ધમાં ઈરાન સક્રિય હોવા છતાં સુન્ની મુસ્લિમોના સંગઠન ISએ અત્યાર સુધી ઈરાનમાં ક્યારેય હુમલો કર્યો નહોતો. શિયા મુસ્લિમોનું બાહુલ્ય ધરાવતા ઈરાનમાં ISના જૂજ ટેકેદારો હોય એવું માનવામાં આવે છે.

જોકે ઈરાનના અશાંત સુન્ની મુસ્લિમ સમુદાયને ધ્યાનમાં રાખીને ISએ છેલ્લા કેટલાક મહિનાથી ફારસી ભાષામાંનો એનો પ્રચાર વેગવંતો બનાવ્યો છે. ISનાં અનેક કાવતરાં નિષ્ફળ બનાવ્યાં હોવાનો દાવો ઈરાનની ગુપ્તચર એજન્સીઓએ કર્યો છે.

ISએ માર્ચમાં બહાર પાડેલા ડૉક્યુમેન્ટરી સ્ટાઇલના એક વિડિયોમાં કેટલાક આતંકવાદીઓને ઇરાકસ્થિત ISના ઈરાની યૌદ્ધાઓ તરીકે દર્શાવ્યા હતા. ઈરાનની સરકાર અને દેશના આધ્યાત્મિક નેતા આયાતોલ્લા અલી ખોમેની સહિતના ધાર્મિક તંત્રની ISએ ફારસી ભાષામાં ઝાટકણી કાઢી હતી.