19 June, 2025 09:57 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent
ઇઝરાયલ પર ફતહ-1 હાઇપરસોનિક મિસાઈલ છોડી
ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)એ ગઈ કાલે જણાવ્યું હતું કે એણે ઇઝરાયલ પર ફતહ-1 હાઇપરસોનિક મિસાઈલ છોડી છે. ઈરાન-ઇઝરાયલ સંઘર્ષમાં આ મિસાઇલનો પહેલી વાર ઉપયોગ હોવાનું કહેવાય છે. આ સંઘર્ષ એના છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યો છે. મિસાઇલ છોડ્યા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ બુધવારે ઇઝરાયલ સામે ચેતવણી જાહેર કરી હતી. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ (અગાઉ ટ્વિટર) પર શૅર કરવામાં આવેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે પ્રખ્યાત હૈદરના નામે યુદ્ધ શરૂ થાય છે, અલી તેના ઝુલ્ફીકાર સાથે ખૈબર પરત ફરે છે.
આ પોસ્ટમાં ઇસ્લામિક ઇતિહાસ અને શિયા આઇકોનૉલૉજીનાં ધાર્મિક પ્રતીકો છે. હૈદર નામ ઘણી વાર ઇમામ અલી માટે વપરાય છે, જેમને શિયા ઇસ્લામમાં પ્રથમ ઇમામ માનવામાં આવે છે. ઝુલ્ફીકાર એ ઇમામ અલીની પ્રખ્યાત બેધારી તલવારનું નામ છે.