25 June, 2025 09:41 AM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થઈ રહેલા યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી સાથે સંઘર્ષમાં વધારો થવાની આશંકા હતી, પણ હવે યુદ્ધવિરામ થતાં આ ત્રણેય દેશો માટે વિન-વિન સિચુએશન છે. યુદ્ધ લાંબું ચાલતું રહે તો ત્રણેય દેશો માટે એ નુકસાનકર્તા સાબિત થવાનું હતું. ઈરાનની ઍર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ થઈ હતી, ઇઝરાયલ માટે સ્થાનિક સ્તરે મુશ્કેલીઓ વધી રહી હતી કારણ કે આયર્ન ડોમ પણ કામ કરતું બંધ થતાં ઈરાનની મિસાઇલો ત્યાં પહોંચી જતી હતી. આ પરિસ્થિતિ અમેરિકા માટે પણ મુશ્કેલી લાવનારી હતી.
આ યુદ્ધમાં અમેરિકાએ ક્યારેક આગમાં ઈંધણ નાખ્યું તો ક્યારેક ડહાપણ વાપરીને ધીરજ રાખી. ઈરાન પર B-2 બૉમ્બર દ્વારા હુમલો કરીને અમેરિકાએ હજી પણ પોતાની ‘દાદાગીરી’ વિશ્વ પર ચાલી રહી છે એ બતાવી દીધું. જોકે ઈરાને એના વળતા જવાબમાં સીધો અમેરિકા પર વળતો હુમલો કરવાને બદલે કતરમાં અમેરિકાના ઍરબેઝ પર હુમલો કર્યો. અમેરિકાએ મોટપ રાખીને કહી દીધું કે આ હુમલાથી ઍરબેઝને કોઈ નુકસાન થયું નથી. જોકે હુમલો કરીને ઈરાન એ જતાવવાની કોશિશ કરે છે કે એણે ઇઝરાયલ અને અમેરિકાની હેકડી ઉતારી દીધી. જ્યારે ઇઝરાયલ દાવો કરે છે કે એણે ઈરાનને સબક શીખવીને પોતાનો બદલો લઈ લીધો છે. ઈરાન હજી પણ દાવો કરે છે કે આ યુદ્ધ પહેલાં જ એણે ઑલરેડી પરમાણુ વિકાસ કાર્યક્રમોના અડ્ડા બીજે ખસેડી લીધા છે. આમ ત્રણેય દેશો આ યુદ્ધમાં પોતાનો હાથ ઉપર હોવાનું કહી શકે એવી વિન-વિન સિચુએશન પર સીઝફાયર કરવા તૈયાર થઈ ગઈ છે. આનાથી ત્રણેય દેશોને શું ફાયદો થશે એ જોઈએ.
વેસ્ટ એશિયામાં ફરી ઇઝરાયલનો દબદબો વધશે
૧૨ દિવસના યુદ્ધમાં ઇઝરાયલે એની સૈન્યની તાકાત અને નેતૃત્વની શ્રેષ્ઠતા સાબિત કરી છે અને ઈરાનને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. ઇઝરાયલની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ કારગર સાબિત થઈ છે. એને લીધે ઈરાની મિસાઇલોના હુમલા છતાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૩૦ની આસપાસ રહી છે. ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદનો ડંકો ફરી વાગ્યો છે. એણે ઈરાનમાં ઘૂસીને હુમલા કર્યા છે.
ઈરાનને શું ફાયદો થયો?
ઈરાનમાં આ યુદ્ધના કારણે દેશના નેતૃત્વ પર લોકોનો વિશ્વાસ વધ્યો છે. ઇઝરાયલના હુમલામાં ૬૦૦થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હોવા છતાં દેશમાં મૃત્યુ પામેલા લોકોના જનાજામાં હજારો લોકો સામેલ થયા અને લોકોએ અમેરિકા અને ઇઝરાયલ સામે એમનો વિરોધ જોરદાર રીતે વ્યક્ત કર્યો હતો. સુપ્રીમ લીડર અયતુલ્લા અલી ખામેનેઇ અને ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ્સ કોર્ઝના નેતૃત્વને આંતરિક સમર્થન મળ્યું છે. જો ઈરાન યુદ્ધવિરામ માટે સહમત ન થયું હોત તો એને વધારે નુકસાનનો ભય હતો. તેની ઍર ડિફેન્સ સિસ્ટમ નાકામિયાબ રહી હતી.
અમેરિકા શા માટે ખુશ?
ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધવિરામ કરાવીને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પોતાની ડિપ્લોમસીની વધુ એક જીતનો દાવો કર્યો છે. વળી ઈરાનનાં પરમાણુ કાર્યક્રમ-સ્થળોનો ખાતમો કરીને અમેરિકાએ પરમાણુ કાર્યક્રમ પર અંકુશ મેળવી લીધો હોવાનો દાવો કરી શકે એમ છે.