તખ્તાપલટના વિરોધને પગલે મ્યાનમારમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ

07 February, 2021 03:46 PM IST  |  Yan | Gujarati Mid-day Correspondent

તખ્તાપલટના વિરોધને પગલે મ્યાનમારમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

મ્યાનમારની આંગ સાન સૂ કીની ચૂંટાઈ આવેલી સરકારને ઊથલાવીને લશ્કરી સત્તા સ્થાપનારા મ્યાનમારના નવા લશ્કરી અધિકારીઓએ તખ્તાપલટ વિરુદ્ધ દેખાવો વધતાં ગઈ કાલે મોટા ભાગના વિસ્તારોમાં ઇન્ટરનેટ બ્લૉક કરી દીધું છે.

ઇન્ટરનેટના વપરાશકર્તાઓએ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સ તરફથી ધીમે-ધીમે ઇન્ટરનેટ સર્વિસ બંધ થતી હોવાનું નોંધ્યું હતું. ગઈ કાલે સવારના સમયમાં ઇન્ટરનેટ બંધ થવાના પ્રમાણમાં વૃદ્ધિ નોંધાઈ હતી. પછીથી બ્ર‍ૉડબૅન્ડ કનેક્શન્સ પણ બંધ થયાં હતાં. જોકે લૅન્ડલાઇન ટેલિફોન્સ ચાલુ હોવા સંદર્ભે મિશ્ર પ્રતિભાવ મળી રહ્યા છે.

ઇન્ટરનેટ સર્વિસમાં અવરોધ અને શટડાઉન થવાની ઘટના ટ્રૅક કરી રહેલી લંડનસ્થિત સર્વિસ કંપની નેટબ્લૉક્સે ગઈ કાલે બપોરે જણાવ્યું હતું કે મ્યાનમારમાં હવે ઇન્ટરનેટ સર્વિસ સંપૂર્ણપણે બંધ કરાઈ છે અને કનેક્ટિવિટી સામાન્ય કરતાં માત્ર ૧૬ ટકા જેટલી જ છે.  

ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને કેટલાક લોકો ખોટા સમાચાર ફેલાવી રહ્યા હોવાનો આરોપ મૂકી સરકારે આ બન્ને પ્લૅટફૉર્મ બ્લૉક કરતાં લોકોમાં વ્યાપક પ્રમાણમાં રોષ પ્રગટ્યો હતો. ફેસબુક ગયા અઠવાડિયે જ બ્લૉક કરવામાં આવ્યું હતું. જોકે એ અસરકારક નથી.

international news myanmar