જિનપિંગ નજરકેદ, ચીનમાં સત્તાપલટો?

25 September, 2022 09:43 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર ચાઇનીઝ નાગરિકો દ્વારા અનેક પોસ્ટમાં સત્તાપલટાનો દાવો કરાયો છે, સવાલ એ છે કે જિનપિંગ તેમના વિરોધીઓને કચડી રહ્યા છે ત્યારે આવી અફવા કયા હેતુથી ફેલાવવામાં આવી રહી છે?

ફાઇલ તસવીર

ચીનમાં અત્યારે એક અફવા ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે અને એનાથી સૌકોઈ ચોંકી ગયા છે. સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ્સમાં જણાવાયું છે કે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગની અટકાયત કરવામાં આવી છે. તેમને તેમના ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દરમ્યાન આ વાતને સમર્થન આપવા માટે કહેવામાં આવી રહ્યું છે કે બીજિંગ ઍરપોર્ટે ૬૦૦૦થી વધારે ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ કૅન્સલ કરી છે. એટલું જ નહીં, હાઈ ​સ્પીડ રેલ દ્વારા વેચવામાં આવેલી તમામ ટિકિટ રદ કરવામાં આવી છે. 
છેલ્લાં બે વર્ષથી ચાઇનીઝ પ્રેસિડન્ટ બીજિંગમાં તેમના ઘરમાંથી ભાગ્યે જ નીકળે છે. જોકે ૧૪ સપ્ટેમ્બરે આ લીડર શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનના સમિટમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાન ગયા હતા.

ચાઇનીઝ ભાષામાં લખવામાં આવેલી અનેક પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે જિનપિંગની અમર્યાદિત સત્તા માટેની ભૂખને નાબૂદ કરવા માટે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગજ નેતાઓએ યોજના ઘડી કાઢી હતી. ચાઇનીઝ નેટિઝન્સ સોશ્યલ મીડિયા પર ખૂબ મોટી સંખ્યામાં પોસ્ટ્સમાં જણાવી રહ્યા છે કે બીજિંગ અત્યારે લશ્કરના કબજામાં છે.

રિપોર્ટ્સ અનુસાર ચીનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ હુ જિનતાઓ અને ચીનના દિગ્ગજ નેતા વેન જિયાબાવોએ સ્ટૅન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ મેમ્બર સૉન્ગ પિન્ગને સમજાવ્યા હતા અને સેન્ટ્રલ ગાર્ડ બ્યુરો પરનો કન્ટ્રોલ ફરીથી મેળવ્યો હતો. વાસ્તવમાં સેન્ટ્રલ ગાર્ડ બ્યુરોની જવાબદારી ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ અને પૉલિટબ્યુરો સ્ટૅન્ડિંગ કમિટીના મેમ્બર્સને પર્સનલ પ્રોટેક્શન પૂરું પાડવાની છે.

હુ અને વેને સેન્ટ્રલ ગાર્ડ બ્યુરો પરનો કન્ટ્રોલ પાછો મેળવી લીધો. આ માહિતી બીજિંગમાં ફોન કરીને સેન્ટ્રલ કમિટીના મેમ્બર્સને આપવામાં આવી હતી. એ જ ક્ષણે ઓરિજિનલ સ્ટૅન્ડિંગ કમિટીના મેમ્બર્સે જિનપિંગની મિલિટરી ઑથોરિટીને નાબૂદ કરી હતી. જિનપિંગને આ વાતની જાણ થતાં તેઓ ૧૬ સપ્ટેમ્બરની સાંજે બીજિંગ આવી પહોંચ્યા હતા. જોકે ઍરપોર્ટ પર જ જિનપિંગની અટકાયત કરવામાં આવી હતી અને તેમને ઝોન્ગનહાઇમાં તેમના ઘરે નજરકેદ રાખવામાં આવ્યા હોવાનો અનેક પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા ૧૦ દિવસથી બંધબારણે અને અત્યંત ગુપચુપ અનેક સીક્રેટ પૉલિટિકલ મીટિંગ થઈ રહી છે. થોડા દિવસ પહેલાં પીપલ્સ લિબરેશન આર્મીના જનરલ લી કિયામિંગે પહેલાં જ નિર્ણય કરી લીધો હતો કે તેઓ ચાઇનીઝ પ્રેસિડન્ટના આદેશને નહીં સ્વીકારે.  

એક વિડિયો સાથે કૅપ્શનમાં લખવામાં આવ્યું હતું કે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના ભૂતપૂર્વ નેતાઓને ખ્યાલ હતો કે જિનપિંગના વફાદારો તેમને નજરકેદ રાખવાનો પ્લાન ફેલ કરવા માટે આક્રમકતાથી હુમલો કરશે. આવી સ્થિતિમાં લી કિયામિંગ પિક્ચરમાં આવ્યા હતા. કિયામિંગે ત્યાં સુધી બીજિંગને લશ્કરી કિલ્લામાં ફેરવી દીધું હતું. ૮૦ કિલોમીટર લાંબો કાફલો બીજિંગમાં એન્ટર થયો અને આ શહેરમાંથી બહાર જવાના તમામ માર્ગ બંધ કરી દેવામાં આવ્યા હતા. પીપલ્સ લિબરેશન આર્મીએ હાઇવે બ્લૉક કરી દીધા હતા અને એ અત્યારે પ્રદર્શનકર્તાઓની અટકાયત કરી રહ્યું છે. આ વિડિયોમાં વાહનો જતાં હોય એમ જણાતું હતું. જોકે સમગ્ર કાફલાનું દૃશ્ય નહોતું જોવા મળ્યું એટલે આ વિડિયો સાથે લખાયેલી કૅપ્શનમાં વાત સાચી હોવાનું કેટલા અંશે માની શકાય એ એક સવાલ છે. 

ચાઇનીઝ લોકો દ્વારા કરવામાં આવતી આ સોશ્યલ મીડિયા પોસ્ટ્સની ખરાઈ કોઈ ન્યુઝ એજન્સી દ્વારા થઈ શકી નથી કે ન તો કોઈ ઇન્ટરનૅશનલ મીડિયા હાઉસના કોઈ રિપોર્ટમાં એના વિશે જણાવાયું છે. બીજી તરફ ચીનના પ્રેસિડન્ટ તેમના બળવાખોરોને કચડી રહ્યા હોવાના રિપોર્ટ આવી રહ્યા છે. એવામાં આ સોશ્યલ મીડિયા પોસ્ટ્સમાં કરવામાં આવેલા દાવા અતિશયોક્તિભર્યા હોય એમ જણાઈ રહ્યું છે. જોકે એક વાત ચોક્કસ કહી શકાય કે જિનપિંગની વિરુદ્ધ લોકોમાં જ નહીં, પરંતુ ચાઇનીઝ લીડર્સમાં પણ ખૂબ અસંતોષ છે. જો આ પોસ્ટ્સમાં ખોટી માહિતી હોય તો પણ સવાલ એ થાય છે કે આટલા વ્યાપક સ્તરે આવી માહિતી શા માટે ફેલાવવામાં આવી રહી છે અને એની પાછળ કોનું ભેજું છે. વળી, ચીને આવી અફવાઓને ફગાવી પણ નથી. 

international news china