કનેક્ટિકટ શૂટઆઉટ બાદ અમેરિકામાં ગન-કલ્ચરનો અંત લાવવાની ડિમાન્ડ તેજ

17 December, 2012 05:16 AM IST  | 

કનેક્ટિકટ શૂટઆઉટ બાદ અમેરિકામાં ગન-કલ્ચરનો અંત લાવવાની ડિમાન્ડ તેજ



અમેરિકાના કનેક્ટિકટ સ્ટેટના ન્યુટાઉન શહેરમાં વીસ માસૂમ બાળકો સહિત ૨૭ લોકોને ભોગ લેનાર શૂટઆઉટની ઘટના બાદ અમેરિકામાં વકરેલા ગન-કલ્ચર પર નિયંત્રણ મૂકવાની માગણી ફરી તેજ થઈ છે. શુક્રવારના શૂટઆઉટ બાદ ગન કન્ટ્રોલ માટેની ઑનલાઇન પિટિશન પર ૪૫ હજાર કરતાં પણ વધારે લોકોએ સહી કરી હતી, એટલું જ નહીં, અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં શનિવારે મોટી સંખ્યામાં લોકોએ ગન-કલ્ચરના વિરોધમાં કૅન્ડલ લાઇટ રૅલી કાઢી હતી. ગન-કલ્ચર પર નિયંત્રણ મૂકવા હવે ઓબામા સરકાર પર દબાણ વધ્યું છે. હત્યાકાંડમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ આપતાં ઓબામાએ આવી ટ્રૅજેડી ફરી સર્જાય નહીં એ માટે અર્થપૂર્ણ પગલાં લેવાની ખાતરી આપી હતી.  

થોડા સમય પહેલાં સ્મૉલ આમ્ર્સ સર્વે મુજબ અમેરિકામાં દર દસમાંથી નવ વ્યક્તિ ગન ધરાવે છે. અમેરિકામાં દર ૧૦૦માંથી લગભગ ૯૦ લોકો પાસે ગન હોય છે, માથાદીઠ હથિયારો ધરાવવામાં અમેરિકા પછીના ક્રમે યેમેન છે જ્યાં દર ૧૦૦માંથી ૫૫ પાસે ગન હોય છે.