ઇસ્લામવિરોધી અમેરિકન ફિલ્મ સામે વિશ્વભરમાં આંદોલન-હિંસા, ઓબામાએ આપી ચેતવણી

16 September, 2012 09:04 AM IST  | 

ઇસ્લામવિરોધી અમેરિકન ફિલ્મ સામે વિશ્વભરમાં આંદોલન-હિંસા, ઓબામાએ આપી ચેતવણી




ઇસ્લામવિરોધી અમેરિકન ફિલ્મ ‘ઇનોસન્સ ઑફ મુસ્લિમ’ના વિરોધમાં મુસ્લિમ દેશોમાં અમેરિકાવિરોધી દેખાવો દિવસે-દિવસે વધુ ઉગ્ર બની રહ્યા છે. સુદાન, લેબૅનન, ટ્યુનિશિયા અને યમનમાં આ દેખાવો દરમ્યાન ફાટી નીકળેલી હિંસામાં પાંચનાં મોત થયાં હતાં અને સેંકડો લોકોને ઈજા પહોંચી હતી. શુક્રવારે નમાઝ અદા કર્યા બાદ અનેક મુસ્લિમ દેશોમાં અમેરિકી દૂતાવાસ, અમેરિકી કંપની કે સરકારી ઑફિસો તથા રેસ્ટોરાંને ટાર્ગેટ બનાવીને હુમલા થયા હતા. સુદાનના ખાટુર્મ શહેરમાં અમેરિકા, બ્રિટન તથા જર્મનીની સરકારી ઑફિસો પર હુમલા થયા હતા. ખાટુર્મમાં ૧૦,૦૦૦થી વધુ લોકોના ટોળાએ અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો હતો. લેબૅનનના ત્રિપોલી શહેરમાં પણ ૩૦૦થી વધુ લોકોના ટોળાએ અમેરિકન કંપનીની માલિકીની રેસ્ટોરાંમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી હતી. બીજી તરફ અફઘાનિસ્તાનમાં તાલિબાને અમેરિકી કૅમ્પ પર અટૅક કરીને બે અમેરિકી સૈનિકોની હત્યા કરી હતી. બાદમાં તાલિબાને કહ્યું હતું કે ઇસ્લામવિરોધી ફિલ્મના વિરોધમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.



યમનના આતંકવાદી સંગઠન અલ-કાયદાએ દુનિયાભરના મુસ્લિમોને ઇસ્લામવિરોધી ફિલ્મ સામે દેખાવો કરીને અમેરિકી રાજદ્વારીઓની હત્યા કરવાનું ફરમાન આપ્યું હતું. અલ-કાયદાએ આ ફિલ્મને ૧૦૦૦ વર્ષ પહેલાં યુરોપમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચેના ક્રુઝેડ (ધર્મયુદ્ધ)ના ભાગરૂપ ગણાવી હતી. મધ્ય-પૂર્વના દેશો અને આફ્રિકા તથા દક્ષિણ તેમ જ પૂર્વ એશિયાના મુસ્લિમ દેશોમાં ગઈ કાલે પણ ઉગ્ર દેખાવો ચાલુ રહ્યા હતા. ઇજિપ્તની રાજધાની કેરોમાં પોલીસે તોડફોડ કરી રહેલા ટોળાને વિખેરવા ટિયર ગૅસના શેલ ફાયર કર્યા હતા.

અમેરિકનો પર અટૅક થયો તો ખેર નથી : ઓબામા

વિવાદાસ્પદ ફિલ્મને કારણે મુસ્લિમ દેશોમાં અમેરિકા વિરુદ્ધ ઉગ્ર આંદોલનો થઈ રહ્યાં છે ત્યારે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ગઈ કાલે ચેતવણી આપતાં કહ્યું હતું કે અમેરિકન નાગરિકો પરના હુમલાને તેમની સરકાર સહેજ પણ સહન નહીં કરે. તેમણે અમેરિકાને એવી ખાતરી આપી હતી કે જે લોકો અમેરિકનો પર હુમલા કરશે તેમને છોડવામાં નહીં આવે. તેમણે લિબિયાના બેનગાઝી શહેરમાં માર્યા ગયેલા અમેરિકી રાજદૂત ક્રિસ્ટોફર સ્ટીવન્સના હત્યારાઓને કોઈ પણ કિંમતે સજા આપવાની ખાતરી આપી હતી.