અમેરિકાની વધુ એક યુનિવર્સિટીનું વીઝા સ્કૅમ : ભારતીય સ્ટુડન્ટ્સનું ભાવિ અધ્ધર

05 August, 2012 04:35 AM IST  | 

અમેરિકાની વધુ એક યુનિવર્સિટીનું વીઝા સ્કૅમ : ભારતીય સ્ટુડન્ટ્સનું ભાવિ અધ્ધર

કૅલિફૉર્નિયામાં આવેલી ટ્રાઇ વૅલી યુનિવર્સિટીના વીઝા કૌભાંડના એક વર્ષ બાદ અમેરિકાની વધુ એક યુનિવર્સિટીનું વીઝા-ફ્રૉડ બહાર આવતાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. કૅલિફૉર્નિયાના સની વૅલ શહેરમાં આવેલી હેરગુઆન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ ઈસ્ટ-વેસ્ટ મેડિસિનના સીઈઓ જેરી વેન્ગ પર નકલી દસ્તાવેજો દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને ઍડ્મિશન આપવાનો આરોપ મુકાયો છે. આ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓમાં મોટા ભાગના ભારતીયો છે.

યુનિવર્સિટીના ૩૪ વર્ષના સીઈઓ જેરી વેન્ગને ગઈ કાલે સેન જોસની ર્કોટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી એફબીઆઇની ટીમે ગુરુવારે વેન્ગની ધરપકડ કરી હતી. જો તેમની સામેના આક્ષેપો પુરવાર થશે તો તેમને ૮૫ વર્ષની જેલ થઈ શકે છે. જેરી વેન્ગ સામે ૨૦૦૭થી ૨૦૧૧ દરમ્યાન નકલી દસ્તાવેજો દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકાના સ્ટુડન્ટ વીઝા અપાવવાનો આક્ષેપ છે. વેન્ગ ટ્યુંશન-ફી તથા અન્ય પેમેન્ટ મેળવ્યા બાદ નકલી વીઝા બનાવી આપતા હતા. આ કૌભાંડને કારણે યુનિવર્સિટીમાં સ્ટડી કરી રહેલા ૪૫૦ વિદેશી વિદ્યાર્થીઓને અસર થઈ શકે છે, જેમાં મોટા ભાગના ભારતીયો છે. જોકે યુનિવર્સિટીએ એની વેબસાઇટ પર જણાવ્યું છે કે વેન્ગની ધરપકડથી યુનિવર્સિટીની કામગીરીને કોઈ અસર નહીં પહોંચે. અત્યારે કૅમ્પસ ઓપન છે તથા સ્ટુડન્ટ્સ પહેલાંની જેમ જ સ્ટડી કરી રહ્યા છે. યુનિવર્સિટીએ એમ પણ કહ્યું હતું કે જે સ્ટુડન્ટ્સ પાસે કાનૂની વીઝા છે તેમને કોઈ પ્રૉબ્લેમ નહીં થાય.

સીઈઓ = ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર

એફબીઆઇ = ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન