ભારતની વેક્સિન્સ નેપાલ અને બાંગલાદેશ પહોંચી

22 January, 2021 01:09 PM IST  |  New Delhi | Agencies

ભારતની વેક્સિન્સ નેપાલ અને બાંગલાદેશ પહોંચી

ગઈ કાલે નેપાલના કાઠમાંડુમાં વૅક્સિનનાં બૉક્સને લઈ જઈ રહેલા મજૂરો. (તસવીર : પી.ટી.આઇ.)

ગ્રાન્ટ્સ અસિસ્ટન્સ હેઠળ ભારત તરફથી વેક્સિન્સનો જથ્થો ગઈકાલે નેપાલ અને બાંગલાદેશ પહોંચ્યો હતો. વિદેશ પ્રધાન એસ.જયશંકરે ગઈકાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર `વેક્સિન મૈત્રી‘ ટાઇટલ સાથે પાડોશી ધર્મ નિભાવવા બાંગલાદેશ અને નેપાલને રસીના ડોઝ પહોંચાડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ટ્વિટરની પોસ્ટમાં વેક્સન્સનું કન્સાઇનમેન્ટ ઢાકા લઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટની તસવીર પણ હતી.
આધારભૂત સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે કોવિશિલ્ડ વેક્સિનના વીસ લાખ ડોઝ બાંગલાદેશને અને દસ લાખ ડોઝ નેપાલને મોકલાયા છે. ભારતે ગયા બુધવારે કોવિશિલ્ડ વેક્સિનના દોઢ લાખ ડોઝ ભૂતાનને અને એક લાખ ડોઝ માલદિવ્ઝને મોકલ્યા હતા. ભારતે મંગળવારે ગ્રાન્ટ અસિસ્ટન્સ હેઠળ બુધવારથી ભૂતાન, માલદિવ્ઝ, બાંગલાદેશ, નેપાલ, મ્યાંમાર અને સેશલ્સને પુરવઠો મોકલવાની જાહેરાત કરી હતી. તેની જોડે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને મૉરિશ્યસને સંબંધિત સત્તાતંત્રોના આવશ્યક રેગ્યુલેટરી ક્લીયરન્સ બાદ પુરવઠો મોકલવાની જાહેરાત કરવામાં આવી હતી.
વિશ્વના અગ્રણી દવા ઉત્પાદક દેશ તરીકે ભારતને અનેક દેશો તરફથી કોરોના વાઇરસ વેક્સિનના પુરવઠાની વિનંતીઓ પ્રાપ્ત થઈ હતી.
ભારતમાં કોવિશિલ્ડ અને કોવિક્સિનની દેશવ્યાપી વેક્સિનેશન ડ્રાઇવની સમાંતરે અન્ય દેશોને પણ રસીના ડોઝ પૂરા પાડવાના પગલાની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે.

international news nepal bangladesh coronavirus covid19