હિન્દુ ધર્મને બદનામ કરવા બદલ CNNની ઑફિસ સામે ભારતીયોનું વિરોધપ્રદર્શન

28 March, 2017 06:41 AM IST  | 

હિન્દુ ધર્મને બદનામ કરવા બદલ CNNની ઑફિસ સામે ભારતીયોનું વિરોધપ્રદર્શન


હિન્દુત્વને નકારાત્મક રીતે દર્શાવતી ડૉક્યુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ શિકાગોમાં રહેતા ઇન્ડિયન અમેરિકન્સે મોટી સંખ્યામાં ટીવી-ચૅનલ CNNની ઑફિસ સામે વિરોધપ્રદર્શન કર્યું હતું. હળવા વરસાદ વચ્ચે શાંતિપૂર્ણ દેખાવોમાં સામેલ થયેલા સ્થાનિક ભારતીય સમુદાયના અગ્રણી ભરત બારાઈએ જણાવ્યું હતું કે સ્પેશ્યલ રિપોર્ટર રેઝા અસલને પ્રોડ્યુસ કરેલી ડૉક્યુમેન્ટરીમાં પાંચ અઘોરી બાવાઓની પ્રવૃત્તિ અને વિધિઓ દર્શાવવામાં આવી હતી.

વિરોધપ્રદર્શન વખતે વિતરિત કરવામાં આવેલા પત્રમાં ડૉક્યુમેન્ટરીમાં હિન્દુત્વને નકારાત્મક રીતે દર્શાવવા બદલ ચૅનલ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દેખાવકારોના રોષને વાચા આપતાં ભરત બારાઈએ જણાવ્યું હતું કે ‘પાંચ અઘોરી બાવાઓની જે વિચિત્ર પ્રવૃત્તિઓને ડૉક્યુમેન્ટરીમાં દર્શાવવામાં આવી હતી એને હિન્દુત્વ સાથે કોઈ સંબંધ નથી. એ પ્રવૃત્તિઓને હિન્દુ ધર્મશાસ્ત્રો અને હિન્દુત્વના ઉપદેશો સાથે કોઈ સંબંધ નથી.’

પાંચ માર્ચે એ વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરીના પ્રસારણ પછી ન્યુ યૉર્ક, વૉશિંગ્ટન, હ્યુસ્ટન, ઍટલાન્ટા, સૅન ફ્રાન્સિસ્કો અને લૉસ ઍન્જલસ સહિતનાં આખા અમેરિકાનાં શહેરોમાં હિન્દુ અમેરિકન સંગઠનોએ CNN સામે વિરોધપ્રદર્શન કર્યું હતું.