૨૦૦૦ કિલોમીટરની રેન્જ, બ્રહ્મોસ કરતાં ઝડપી ગોલ્ડન હોરાઇઝન મિસાઇલ ભારતને આપવાની ઑફર કરી ઇઝરાયલે

25 February, 2026 08:14 AM IST  |  Jerusalem | Gujarati Mid-day Correspondent

આ મિસાઇલ ભૂગર્ભ બન્કર, મજબૂત અન્ડરગ્રાઉન્ડ કમાન્ડ સેન્ટર અને પરમાણુ સંબંધિત માળખાંઓને ભેદી શકે છે

ફાઇલ તસવીર

ઇઝરાયલે ભારતને ગોલ્ડન હોરાઇઝન ઍર-લૉન્ચ્ડ બૅલિસ્ટિક મિસાઇલ (ALBM) સપ્લાય કરવાની ઑફર કરી છે. જો સોદો આગળ વધે તો આ મિસાઇલ સિસ્ટમને ભારતીય ઍરફોર્સના સુખોઈ Su-30MKl ફાઇટર જેટ સાથે સંકલિત કરવામાં આવી શકે છે. આ મિસાઇલની રેન્જ ૨૦૦૦ કિલોમીટરની છે અને એ ભારતની સૌથી ખતરનાક બ્રહ્મોસ મિસાઇલ કરતાં પણ વધારે ઝડપી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ મિસાઇલ ભૂગર્ભ બન્કર, મજબૂત અન્ડરગ્રાઉન્ડ કમાન્ડ સેન્ટર અને પરમાણુ સંબંધિત માળખાંઓને ભેદી શકે છે.

ભારતે અગ્નિ શ્રેણીની લાંબા અંતરની બૅલિસ્ટિક સિસ્ટમો વિકસાવી છે જેમાં પરમાણુ-સક્ષમ અગ્નિ-5નો સમાવેશ છે, પણ ગોલ્ડન હોરાઇઝન ALBM મિસાઇલ કિલ્લેબંધી અને ભૂગર્ભ વ્યૂહાત્મક સુવિધાઓને નિશાન બનાવવા માટે રચાઈ છે. આ મિસાઇલની રેન્જ ૧૦૦૦થી ૨૦૦૦ કિલોમીટરની વચ્ચે હોવાનો અંદાજ છે.

આવી સિસ્ટમ ઉપલબ્ધ થાય તો એ ભારતીય સેવામાં પહેલાંથી જ ઉપલબ્ધ વ્યૂહાત્મક મિસાઇલોથી અલગ શ્રેણીનાં હથિયારોનું પ્રતિનિધિત્વ કરશે. ઇઝરાયલે અગાઉ લૉરા જેવી સિસ્ટમ પૂરી પાડી છે, જેની રેન્જ લગભગ ૪૦૦ કિલોમીટર છે. એ સિવાય રૅમ્પેજની રેન્જ લગભગ ૨૫૦ કિલોમીટરની છે. આ શસ્ત્રો મુખ્યત્વે રડાર સ્ટેશન, હવાઈ સંરક્ષણ, કમાન્ડ સેન્ટર અને દારૂગોળા ડેપો સહિત યુદ્ધક્ષેત્રની સંપત્તિઓને નિષ્ક્રિય કરવા માટે રચાયેલાં છે.

israel india international news world news news