મુંબઈના 3 પૈકી ભારતીય ખાતેદારોને સ્વિસ બૅન્કોએ સ્પષ્ટ કહ્યું, તમારા બધા પૈસા ઉપાડી લો

24 October, 2014 04:23 AM IST  | 

મુંબઈના 3 પૈકી ભારતીય ખાતેદારોને સ્વિસ બૅન્કોએ સ્પષ્ટ કહ્યું, તમારા બધા પૈસા ઉપાડી લો




નિયમોનું ઉલ્લંઘન કરી ચૂકેલા અને ભવિષ્યમાં મુશ્કેલી સર્જી શકે તેવા પોતાના ભારતીય ક્લાયન્ટ્સથી દૂર રહેવાનો ફેંસલો સ્વિટ્ઝરલૅન્ડની કેટલીક બૅન્કોએ કર્યો છે. કમસે કમ ચાર ભારતીય ખાતેદારોને એમની સર્વિસ બૅન્કોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે અમારે ત્યાંથી તમારાં બધાં નાણાં ૩૧ ડિસેમ્બર સુધીમાં ઉપાડી લો. આ ચારમાંથી ત્રણ મુંબઈના અને એક દિલ્હીનો છે.

એક દાયકા કરતાં પણ વધુ સમયથી અકાઉન્ટ્સ ધરાવતા આ ચારેય જણને બૅન્કના રિલેશનશિપ મૅનેજરે પાછલાં કેટલાંક સપ્તાહોમાં કૉલ કર્યા હતા અને જણાવ્યું હતું કે એમની બૅન્ક ગુપ્ત નંબરવાળાં ખાતાંઓ બંધ કરી રહી છે. એક ખાતેદારને એનું અકાઉન્ટ ૩૦ ઑક્ટોબર સુધીમાં બંધ કરી દેવા જણાવવામાં આવ્યું હતું, જ્યારે બીજા એકને બૅન્કમાં પડેલાં તેમનાં નાણાંનો ટૅક્સ ચૂકવાયો હોવાનું સર્ટિફિકેટ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. જુલિયસ બેયર, ક્રેડિટ સુઇસ અને યુબીએસ તરફથી આ ફોન-કૉલ્સ કરવામાં આવ્યા હતા. આ બધી બૅન્કો ભારતમાં કાર્યરત છે.

ગુપ્ત નંબરવાળાં ખાતાંઓને ફટકો


સર્વિસ બૅન્કોમાં નાણાં જમા કરાવનારાં ટ્રસ્ટોના લાભાર્થીઓની સરખામણીએ આવી બૅન્કોનાં ગુપ્ત નંબરવાળાં ખાતાં ધરાવતા લોકોને વધારે ફટકો પડી શકે છે, કારણ કે તેમણે ભારતીય રિઝર્વ બૅન્કની રેમિટન્સ સ્કીમ હેઠળ આ ખાતાં ખોલ્યાં નહોતાં. 

નિયમ શું છે?

કોઈ ભારતીય વિદેશી બૅન્કમાં અકાઉન્ટ ઑપરેટ કરવા ઇચ્છતો હોય કે વિદેશમાં શૅરો તથા પ્રોપર્ટી ખરીદવી હોય તો રેમિટન્સ સ્કીમ અનુસાર તેણે આગળ વધવું પડે છે.

ખાતેદારો હવે શું કરશે?

ગુપ્ત નંબરવાળાં ખાતાં ધરાવતા લોકો માટે મોટો પડકાર કોઈ પુરાવો છોડ્યા વિના પોતાનાં બધાં નાણાં ઉઠાવી લેવાનો હોય છે. આવા કિસ્સાઓમાં સામાન્ય રીતે ખાતેદારો દુબઈ ભણી નજર કરતા હોય છે, કારણ કે દુબઈના ફ્રી ટ્રેડ ઝોનમાં કોઈ પણ કંપની બનાવીને એ નાણાં ઠેકાણે પાડી શકાય છે. 

ખાતેદારોનાં નામ ગુપ્ત નહીં રહે

ભારત અને સ્વિટ્ઝરલૅન્ડ વચ્ચે ઑટોમૅટિક ઇન્ફર્મેશન શૅરિંગ કરાર કરવાની એક યોજના છે એ કરાર અનુસાર પોતાની બૅન્કોમાં ખાતાં ધરાવતા તમામ ભારતીયોનાં નામ જાહેર કરવાનું સર્વિસ બૅન્કો માટે ફરજિયાત હશે.