ભારત અને પાકિસ્તાનના સંબંધોનો નવો અધ્યાય શરૂ

11 November, 2011 04:54 PM IST  | 

ભારત અને પાકિસ્તાનના સંબંધોનો નવો અધ્યાય શરૂ

 

ગિલાનીએ સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના મેમ્બરની ચૂંટણીમાં ટેકો આપવા માટે ભારતનો આભાર માન્યો હતો. ભારતના વડા પ્રધાન મનમોહન સિંહે ગિલાનીને શાંતિદૂત કહ્યા હતા. બન્નેએ મીટિંગમાંથી બહાર આવીને મિડિયા સમક્ષ સ્મિત આપ્યું હતું અને ટૂંકું નિવેદન કર્યું હતું. મનમોહન સિંહે કહ્યું હતું કે ‘આ વર્ષની શરૂઆતમાં શરૂ થયેલી મંત્રણાપ્રક્રિયા સારી રીતે ચાલી રહી છે. જોકે હજી ઘણું કરવાનું બાકી છે. ભારત અને પાકિસ્તાનના લોકોનું ભવિષ્ય જોડાયેલું છે અને ભૂતકાળમાં કડવાશભરી ચર્ચા કરીને ઘણો સમય વેડફી નાખવામાં આવ્યો છે.’


જોકે ગિલાનીએ કહ્યું હતું કે અમે બધા મુદ્દાઓની ચર્ચા કરી હતી. ભારતના મુખ્ય વિરોધપક્ષ બીજેપીએ વડા પ્રધાન મનમોહન સિંહ અને પાકિસ્તાનના વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીની મીટિંગને શર્મ-અલ-શેખ જેવી નિષ્ફળ ગણાવી હતી. બીજેપીના નેતા યશવંત સિંહાએ કહ્યું હતું કે ‘પાકિસ્તાને સરહદપાર આતંકવાદને રોકવા કશું નથી કર્યું. ગિલાનીને શાંતિદૂત ગણાવતું મનમોહન સિંહનું નિવેદન વાહિયાત છે.’ વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે ‘જ્યાં સુધી ૨૬ નવેમ્બરના ટેરર અટૅકના કાવતરાખોરોને જેલના સળિયા પાછળ નહીં ધકેલવામાં આવે ત્યાં સુધી અમે જંપીને નહીં બેસીએ. વડા પ્રધાને આ વિશે કશી વાત જ નહોતી કરી.’

આપણે એકમેક પર વિશ્વાસ રાખીએ : મનમોહન સિંહ

પાકિસ્તાનના વડા પ્રધાન યુસુફ રઝા ગિલાની સાથેની સફળ મીટિંગ બાદ સાર્ક (સાઉથ એશિયન અસોસિયેશન ફૉર રીજનલ કોઑપરેશન)ની શિખર પરિષદને સંબોધતાં વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે ‘આપણે એકમેક પર વિશ્વાસ રાખવો જોઈએ અને મતભેદોને દફનાવી દેવા જોઈએ. આઠે સભ્યદેશોની સુરક્ષા અને સ્થિરતા સંકળાયેલી છે અને કોઈ એકલો દેશ પોતાને સમૃદ્ધ ન કરી શકે. આપણે લોકસંપર્ક વધારવો જોઈએ.’