કાશ્મીર મામલે ભારતે નથી માગી મદદ,ટ્રમ્પનો દાવો ખોટો

23 July, 2019 10:47 AM IST  |  દિલ્હી

કાશ્મીર મામલે ભારતે નથી માગી મદદ,ટ્રમ્પનો દાવો ખોટો

કાશ્મીર મામલે અમેરિકાના રાષ્ટર્પતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ભારતે ફગાવી દીધો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે આવી વાત નથી કરી. એટલું જ નહીં વ્હાઈટ હાઉસના સત્તાવાર નિવેદનમાં કાશ્મીરનો કોઈ ઉલ્લેખન નથઈ. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની ઓફર આપી હતી.

ઈમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે પીએમ મોદીએ તેમની પાસે કાશ્મીર મુદ્દે મદદ માગી હતી જો કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે સ્પષ્ટતા કરી છે કે આ મામલે ભારત કોઈ ત્રીજા પક્ષની હાજરી નહીં સ્વીકારે. અમેરિકાના વિદેશ મંત્રાલયે પણ પોતાના નિવેદનમાં કહ્યું છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. વાતચીત માટે સાનુકળ માહોલ બને તેવા બંને દેશોના પગલાનું અમે સમર્થન કરવાનું ચાલુ રાખીશું.

અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સફળ વાતચીત ત્યારે જ શક્ય છે, જ્યારે પાકિસ્તાન પોતાના આતંકીઓ વિરુદ્ધ સતત અને કડક પગલાં લે. તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચે મૂળ મુદ્દો પાકિસ્તાનની જમીન પરથી વકરી રહેલો આતંકવાદ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થતાના દાવાને ફગાવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે,'પીએમ મોદીએ કાશ્મીર મુદ્દે ક્યારેય મધ્યસ્થતાની વાત નથી કરી. અમે અમરિકાના રાષ્ટ્રપતિએ પ્રેસને આપેલા નિવેદનને વાંચ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે જો ભારત અને પાકિસ્તાન ઈચ્છે તો તેઓ કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવા તૈયાર છે. પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને આવી કોઈ વાત નથી કરી.'

ત્રીજા ટ્વિટમાં રવીશકુમારે કહ્યું કે પાકિસ્તાન સાથે કોઈ પણ વાતચીત માટે પહેલા આતંકવાદ રોકવો જરૂરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તમામ મુદ્દે દ્વિપક્ષીય રીતે સમાધાન માટે શિમલા સમજૂતી અને લાહોર ઘોષણાપત્રના અમલ પર આધાર છે.

તો અમેરિકાના સાંસદ બ્રેડ શેરમને પણ ટ્રમ્પના દાવાને ખોટો ગણાવયો છે. તેમણે કહ્યું કે પીએમ મોદી ક્યારેય કાશ્મીર મામલે ત્રીજા પક્ષની મધ્યસ્થતાની અપીલ નહીં કરે. ટ્રમ્પનું નિવેદન શરમજનક છે. બધા જ જાણે છે કે ભારત સતત કાશ્મીર મામલે ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો વિરોધ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ Preeti Desai: મૂળ ગુજરાતી યુવતી ઈન્ટરનેશનલ ફિલ્મોમાં થઈ છે સફળ

ઉલ્લેખનીય છે કે દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. વ્હાઈટ હાઉસમાં મુલાકાત દરમિયાન ઈમરાન ખાન સાથે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા, ISIના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ અને વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી રહ્યા હતા.

donald trump imran khan united states of america pakistan jammu and kashmir