ગુમ વિમાનને શોધવા માટે ભારત અને ચીનની મદદ

29 December, 2014 06:09 AM IST  | 

ગુમ વિમાનને શોધવા માટે ભારત અને ચીનની મદદ




ઇન્ડોનેશિયાના સુરાબાયાથી સવારે ૫.૨૦ વાગ્યે ૧૬૨ પૅસેન્જર સાથે ઉડાન ભરીને સિંગાપોર જવા નીકળેલું ઍર એશિયા કંપનીનું વિમાન ગાયબ થતાં સમગ્ર એશિયામાં ચિંતા પ્રસરી છે. જોકે આ વિમાનમાં એક પણ ભારતીય પ્રવાસી ન હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું છે.

ઉડાન ભર્યાની ૪૨ મિનિટ બાદ લગભગ ૭.૪૨ વાગ્યે જકાર્તા ઍર ટ્રાફિક કન્ટ્રોલ સાથેનો પ્લેનનો કૉન્ટૅક્ટ તૂટી ગયો હતો અને તમામ એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી હતી. ઍર એશિયાએ સવારે જ ફેસબુક પર પ્લેનનો સંપર્ક તૂટી ગયા બાદ એ ગાયબ હોવાનો મેસેજ મૂકતાં એશિયાના ભારત અને ચીન સહિતના દેશોની સિક્યૉરિટી એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ હતી.

ઇન્ડોનેશિયાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ રાત્રે બહાર પાડેલા સ્ટેટમેન્ટ પ્રમાણે ગાયબ થયાના કલાકો બાદ પણ આ વિમાન સાથે કોઈ સંપર્ક સ્થાપિત થઈ શક્યો નથી અને એની શોધખોળ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સર્ચ ઍન્ડ રેસ્ક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે અને સંબંધિત દેશોની ઑથોરિટીઓને સૂચના આપવામાં આવી રહી છે. ઍર એશિયા કંપની પણ આ ઑપરેશનમાં પૂરો સહકાર આપી રહી છે. વિમાનમાં મોટા ભાગના ૧૪૯ મલેશિયન સહિત કુલ ૧૫૫ પૅસેન્જરો અને ૭ ક્રૂ-મેમ્બર્સ મળીને ૧૬૨ લોકો સવાર હતા.

ઍર એશિયાના સ્ટેટમેન્ટ પ્રમાણે વિમાનના પાઇલટે છેલ્લે માર્ગમાં ખરાબ હવામાનને કારણે ડીએવિયેશનની સૂચના ઍર ટ્રાફિક કન્ટ્રોલને આપી હતી. કેટલાક અહેવાલો પ્રમાણે ખરાબ હવામાનને કારણે વિમાનનો રૂટ ફંટાઈ ગયો હોવાથી ઍર ટ્રાફિક કન્ટ્રોલ સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો.

ભારત અને ચીન મદદ માટે સાબદા

ઍર એશિયાનું વિમાન ગાયબ થયાના સમાચારો મળતાં ચીન અને ભારત તરફથી આ ઘટના વિશે ખેદ દર્શાવાયો હતો અને સર્ચ ઍન્ડ રેસ્ક્યુ ઑપરેશનમાં જરૂરી સહકાર માટે ઇન્ડોનેશિયાને ઑફર કરાઈ હતી. ભલે એમાં કોઈ ભારતીય નથી, પરંતુ ભારતે સર્ચ ઑપરેશનમાં ત્રણ શિપ્સ અને મૅરિટાઇમ સર્વેલન્સ ઍરક્રાફ્ટની મદદ તૈયાર રાખી છે. ઇન્ડિયન નેવીનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગરમાં એક અને આંદામાન સીની બે શિપ્સ જરૂર પડ્યે આદેશ મળતાં મદદ માટે દોડી જવા તૈયાર રાખવામાં આવી છે. ચીને પણ જરૂરી મદદ માટે તૈયારી રાખી હોવાનું અને પરિસ્થિતિ પર નજર હોવાનું જણાવ્યું હતું.

આ વર્ષે બીજું વિમાન લાપતા

આ વર્ષે આઠ માર્ચે સધર્ન ચીનના દરિયામાં મલેશિયાઈ ઍરલાઇનનું વિમાન ગાયબ થઈ ગયું હતું. ક્વાલા લમ્પુરથી બીજિંગ જવા નીકળેલા આ વિમાનમાં ૧૫ દેશોના ૨૨૭ લોકો અને ૧૨ ક્રૂ-મેમ્બર્સ સવાર હતા. આ વિમાનનો હજી સુધી અતોપતો મળ્યો નથી.

એક વિમાન પર મિસાઇલથી હુમલો

આ વર્ષે ૧૭ જુલાઈએ ઍમ્સ્ટરડૅમથી ક્વાલા લમ્પુર આવી રહેલા મલેશિયાઈ ઍરલાઇનના પૅસેન્જર વિમાન પર યુક્રેનના દોનેત્સક એરિયામાંથી મિસાઇલ-હુમલો કરાયો હતો. આ હુમલામાં વિમાનમાં સવાર ૨૯૮ પૅસેન્જર અને ક્રૂ-મેમ્બર્સ માર્યા ગયા હતા.