25 September, 2023 09:55 AM IST | Toronto | Gujarati Mid-day Correspondent
જસ્ટિન ટ્રુડો, નરેન્દ્ર મોદી
ભારત વિરુદ્ધ કૅનેડા આખરે લડાઈમાં કેમ ઊતર્યું એના વિશે માહિતી ધીરે-ધીરે બહાર આવી રહી છે. અમેરિકાના ટોચના એક ડિપ્લૉમેટે આખરે કન્ફર્મ કર્યું છે કે ફાઇવ આઇઝ ગ્રુપના પાર્ટનર્સ વચ્ચે ઇન્ટેલિજન્સ શૅર કરવામાં આવી હતી, જેના લીધે કૅનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોને કૅનેડામાં ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં ભારત સરકારના એજન્ટ્સની સંડોવણીનો સ્ફોટક આરોપ મૂકવા માટે હિંમત મળી.
કૅનેડાની સીટીવી ન્યુઝ ચૅનલે કૅનેડા ખાતેના અમેરિકન ઍમ્બૅસૅડર ડેવિડ કોહેનને એમ જણાવતાં ટાંક્યા હતા કે ફાઇવ આઇઝ પાર્ટનર્સની વચ્ચે ઇન્ટેલિજન્સ શૅર કરવામાં આવી હતી. એ ઇન્ટેલિજન્સના આધારે ટ્રુડોએ કૅનેડિયન નાગરિકના મર્ડર અને ભારત સરકાર વચ્ચે કનેક્શન હોઈ શકે છે, એમ જાહેરમાં આરોપ મૂક્યો હતો.
એક અન્ય રિપોર્ટ અનુસાર અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીએ કૅનેડિયન ઇન્ટેલિજન્સ એજન્સીને મહત્ત્વની જાણકારી આપી હતી. આ રિપોર્ટ અનુસાર અમેરિકન ઇન્ટેલિજન્સથી મદદ મળી હતી, પરંતુ કૅનેડા દ્વારા ભારતીય અધિકારીઓનું જે કમ્યુનિકેશન આંતરવામાં આવ્યું હતું એ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાનું વધુ નિર્ણાયક હતું. અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીએ કૅનેડાને સંદર્ભ પૂરો પાડ્યો હતો કે જેનાથી કૅનેડાને એ તારણ પર આવવામાં મદદ મળી હતી કે ભારતની સંડોવણી હોઈ શકે છે.
ફાઇવ આઇઝ નેટવર્ક એ અમેરિકા, યુકે, ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને ન્યુ ઝીલૅન્ડનું ઇન્ટેલિજન્સ શૅર કરવા માટેનું ગઠબંધન છે.