પરમાત્મા પાસે સહસ્ત્રબાહુ, પણ ભારત પાસે છે ૨૫૦ કરોડ ભુજાઓ : મોદી

18 November, 2014 05:30 AM IST  | 

પરમાત્મા પાસે સહસ્ત્રબાહુ, પણ ભારત પાસે છે ૨૫૦ કરોડ ભુજાઓ : મોદી




ભારત ઝડપથી બદલાઈ રહ્યું છે અને સરકારી કામકાજની રીતભાત પણ બદલાઈ રહી છે એ વાતની ખાતરી સિડનીના ઑલિમ્પિક પાર્કસ્થિત ઑલ્ફોન્સ અરીનામાં સોમવારે યોજાયેલા અભિવાદન સમારંભમાં ઉપસ્થિત રહેલા ભારતીય મૂળના ૨૦,૦૦૦થી વધુ લોકોને કરાવવાનો પ્રયાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

ઑલ્ફોન્સ અરીના મોદીમય બની ગયું હતું અને મોદી-મોદીના પોકાર વચ્ચે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારત અત્યંત ઊર્જાવાન દેશ છે. આપણો દેશ જે સપનું નિહાળશે એને સાકાર કરશે જ. ભારતે શા માટે પાછળ રહેવું જોઈએ એનું કોઈ કારણ મને દેખાતું નથી. પરમાત્મા પાસે સહસ્ત્રબાહુ હતા, ભારત પાસે ૨૫૦ કરોડ ભુજાઓ છે અને એમાંથી ૨૦૦ કરોડ ભુજાઓ તો ૩૫ વર્ષથી ઓછી વયની છે.’

૨૮ વર્ષ લાગ્યાં

ઑસ્ટ્રેલિયાવાસી ભારતીયોના ભારે ઉમળકા વચ્ચે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારતથી વિમાનમાં નીકળીએ તો સવારે ઑસ્ટ્રેલિયા પહોંચી જઈએ, પણ બીજા ભારતીય વડા પ્રધાનને ઑસ્ટ્રેલિયા આવવામાં ૨૮ વરસ લાગી ગયાં. હવે ઑસ્ટ્રેલિયામાં રહેવાવાળા ભારતીયોએ ૨૮ વર્ષ રાહ નહીં જોવી પડે. ભારત પર જેટલો હક ભારતમાં રહેવાવાળાનો છે એટલો હક ઑસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોનો પણ છે. તમારા પ્રેમનો હકદાર હું એકલો નથી, સવાસો કરોડ ભારતવાસીઓ છે.’

વીઝા ઑન અરાઇવલ

ન્યુ યૉર્કના મૅડિસન સ્ક્વેર ગાર્ડનમાં કરેલી જાહેરાતની માફક નરેન્દ્ર મોદીએ ઑલ્ફોન્સ અરીનામાં પણ જણાવ્યું હતું કે ઑસ્ટ્રેલિયાના પ્રવાસીઓને વીઝા ઑન અરાઇવલ મળે એ માટે કામ ચાલી રહ્યું છે. વિદેશમાં વસતા ભારતીયો ભારત પહોંચે ત્યારે તેમણે જે પોલીસ વેરિફિકેશન કરાવવું પડતું હતું એના પર હવે પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે. જેમની પાસે પ્રવાસી ભારતીય કાર્ડ હશે તેમને આજીવન વીઝા મળશે. પર્સન ઑફ ઇન્ડિયન ઓરિજિન અને ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયાના સ્ટેટસને બે મહિનામાં જ ભેળવી દેવાની ખાતરી વિદેશમાં વસતા ભારતીયોને નરેન્દ્ર મોદીએ આપી હતી.

ઇન્વેસ્ટ કરવા ભારત આવો

ભારતને મૅન્યુફૅક્ચરિંગનું કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયા અભિયાનનો ઉલ્લેખ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘અમે આખી દુનિયાને ભારતમાં મૂડીરોકાણ કરવાનું નોતરું આપ્યું છે. મૂડીરોકાણ કરતા લોકો ક્વૉલિટી ઑફ લાઇફ પર ખાસ ધ્યાન આપતા હોય છે અને એને સમજવાની ભારત સરકારની જવાબદારી છે. અમે રેલવેમાં ૧૦૦ ટકા વિદેશી મૂડીરોકાણનો નિર્ણય કર્યો છે, કારણ કે ભારતમાં રેલવેના વિકાસની જોરદાર સંભાવના છે.’

વિપુલ માનવબળ

ભારતમાં વિપુલ માનવબળ ઉપલબ્ધ હોવાનું જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ઘણા દેશો પાસે બધું છે, પણ કામ કરવાવાળા લોકો નથી. દુનિયાને કામ કરવાવાળા લોકોની બહુ જરૂર છે. આ માટે સ્કિલ ડેવલપમેન્ટ જરૂરી છે. ભારત ડાયમન્ડની જ નિકાસ કરે એ જરૂરી નથી; આપણે ટીચર, નર્સ, ડૉક્ટર અને એન્જિનિયરોની નિકાસ પણ કરી શકીએ. દુનિયા હવે બાહુબળથી નહીં, પણ બુદ્ધિબળથી ચાલવાની છે.’

ટૉઇલેટનો પ્રૉબ્લેમ

પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સ્વચ્છ ભારત મિશનની વાત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ટૉઇલેટ્સ ન હોવાને કારણે શરમ આવે છે. મા-બહેનોએ ખુલ્લામાં ટૉઇલેટ જવું પડે છે. એ તેમની ગરિમાનું અપમાન છે. આ મિશનમાં જોડાવાની હાકલ ઑસ્ટ્રેલિયામાં વસેલા ભારતીયોને કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ મિશનમાં જોડાઓ અને તમારા વતનમાં ટૉઇલેટ્સનું નિર્માણ કરો.

શ્રમનું સન્માન

મહેનતનો આદર કરવાનું જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયામાંથી મેં શ્રમનું સન્માન કરવાનો પાઠ ભણ્યો છે. અહીંના લોકો ડૉક્ટર અને ડ્રાઇવર સાથે એક જ ભાષામાં વાત કરે છે. કોઈ પણ પ્રકારના કામને હલકું નથી માનતા. ગંદકી સાફ કરતા કર્મચારીને આપણે કચરાવાળો કહીએ છીએ, પણ ઑસ્ટ્રેલિયામાં તેને સફાઈકામદાર કહેવામાં આવે છે. આપણે ભારતમાં દૃષ્ટિકોણ બદલવો પડશે.’

સફાઈ મુશ્કેલ કામ

નરેન્દ્ર મોદીએ પોતાના સફાઈ અભિયાનની વાત આગળ વધારતાં કહ્યું હતું કે ‘આ કામ મુશ્કેલ છે એ હું જાણું છું. દિવાળીમાં ઘરના બે ઓરડા સાફ કરવામાં અઠવાડિયું નીકળી જાય છે. એટલે દેશની સફાઈ માટે અમે ૨૦૧૯ના વર્ષનો ટાર્ગેટ રાખ્યો છે. મહાત્મા ગાંધીએ આપણને આઝાદી આપી હતી, આપણે તેમને કમસે કમ સાફ દેશ તો આપીએ. દેશ સાફ થઈ જશે પછી ટૂરિઝમ વેગ પકડશે.’

ઑસ્ટ્રેલિયામાં ભારતીયો

ઑસ્ટ્રેલિયામાં ભારતીયોના આગમનની વાત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘૨૦૦ વર્ષ પહેલાં કેટલાક ભારતીય પરિવારો અહીં આવ્યા હતા. આજે ઑસ્ટ્રેલિયાના દરેક નાગરિકને ભારતીયો પોતાના લાગે છે. કર્મભૂમિ સાથે માણસનું તાદાત્મ્ય હોવું જરૂરી છે. ભારતીય મૂળના ઘણા લોકોએ ઑસ્ટ્રેલિયાની પ્રગતિમાં મોટું યોગદાન આપ્યું છે. ભારતીય મૂળના બખ્તિયાર સિંહે ૧૯૬૪માં ઑસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ ઑલિમ્પિક્સમાં કર્યું હતું. અક્ષય વેંકટેશે ૧૨ વર્ષની વયે ઇન્ટરનૅશનલ ફિઝિક્સમાં ઑસ્ટ્રેલિયાનો ડંકો વગાડ્યો હતો. મથાઈ વર્ગિસે ગણિતમાં ઑસ્ટ્રેલિયાનું નામ રોશન કર્યું હતું.’