ગુપ્ત વટહુકમ દ્વારા કુલભૂષણ જાધવની સજા માફ કરવા માગે છે ઇમરાન સરકાર

20 July, 2020 04:31 PM IST  |  Mumbai Desk | Agencies

ગુપ્ત વટહુકમ દ્વારા કુલભૂષણ જાધવની સજા માફ કરવા માગે છે ઇમરાન સરકાર

ઇમરાન ખાન

પાકિસ્તાનમાં હાલ આ ચર્ચા ખૂબ સામાન્ય બની ગઈ છે કે શું ઇમરાન ખાન સરકાર ભારતના નિવૃત્ત નૌસેના અધિકારી કુલભૂષણ જાધવની સજા માફ કરવા માગે છે? પાકિસ્તાનની વિપક્ષ પાર્ટીઓએ ઇમરાન સરકાર પર લગાવેલા આરોપ પ્રમાણે એક ગુપ્ત વટહુકમ દ્વારા કુલભૂષણ જાધવની સજાનો અંત લાવવા વિચારણા ચાલી રહી છે.
ભારતીય નૌસેનાના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવ (૫૦)ને પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટે એપ્રિલ ૨૦૧૭માં જાસૂસી અને આતંકવાદના ખોટા કેસમાં મૃત્યુની સજા સંભળાવી છે. પાકિસ્તાનમાં કુલભૂષણનો મુદ્દો એટલી હદે ગરમ છે કે ત્યાંના કાયદા અને ન્યાય મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી છે. કાયદા અને ન્યાય મંત્રાલયના પ્રવક્તાએ ૧૮ જુલાઈના રોજ એક પ્રેસ રીલિઝ જાહેર કરીને ગુપ્ત વટહુકમ દ્વારા કુલભૂષણ જાધવની સજા સમાપ્તિનો આરોપ ખોટો છે તેવી સ્પષ્ટતા કરી હતી.
એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સિનેટર રજા રબ્બાનીએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર આખરે આ વટહુકમને અત્યાર સુધી પાકિસ્તાની સંસદમાં રજૂ શા માટે નથી કરી રહી. પાકિસ્તાની વિપક્ષી દળોના કહેવા પ્રમાણે દેશની સંસદને વિશ્વાસમાં લીધા વગર, બંધારણીય જોગવાઈઓનું પાલન કર્યા વગર સરકારે કુલભૂષણ જાધવને લઈ એક વટહુકમ જાહેર કર્યો છે.
આ વટહુકમ બાદ ભૂતપૂર્વ નેવી ઑફિસર કુલભૂષણ જાધવ પાકિસ્તાનની મિલિટરી કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજા વિરુદ્ધ ઇસ્લામાબાદ હાઈ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરાવી શકશે. આ સમીક્ષા અરજી વટહુકમ અસ્તિત્વમાં આવે તેના ૬૦ દિવસ સુધીમાં દાખલ કરી શકાશે.

international news imran khan pakistan