ઇમરાન ખાનની ભારતને પરમાણુ યુદ્ધની ખોખલી ધમકીઃ વાતચીત નહીં થાય

23 August, 2019 10:52 AM IST  |  ઈસ્લામાબાદ

ઇમરાન ખાનની ભારતને પરમાણુ યુદ્ધની ખોખલી ધમકીઃ વાતચીત નહીં થાય

ઇમરાન ખાનની ભારતને પરમાણુ યુદ્ધની ખોખલી ધમકી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારત સાથે વણસી રહેલા સંબંધો વચ્ચે પરમાણુ હુમલાની ખોખલી ધમકી આપી છે. અમેરિકી અખબાર ધ ન્યુ યૉર્ક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં આ ધમકી આપી હતી. આ સિવાય ઇમરાને કહ્યું હતું કે ભારત સાથે વાતચીત ચાલુ રાખવા માગતા નથી.
ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ પ્રમાણે ઇમરાને કહ્યું હતું કે તેની (ભારત) સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. મેં બધું જ કરી લીધું છે. દુર્ભાગ્યથી હવે હું પાછું વળીને જોઉ છું તો શાંતિ અને સંવાદ માટે જે હું કરી રહ્યો હતો એ મને લાગે છે કે તેને તૃષ્ટીકરણ માન્યું છે. ધ ન્યુ યૉર્ક ટાઇમ્સના મતે ઇમરાન ખાને ચેતવણી આપી છે કે જો ભારતે પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી તો પાકિસ્તાન જવાબ આપવા મજબૂર હશે.

ઇમરાને કહ્યું હતું કે ભારત પાકિસ્તાન સામે કાર્યવાહીને યોગ્ય ગણાવવા માટે કાશ્મીરમાં ખોટું અભિયાન શરૂ કરી શકે છે. મારી ચિંતા એ છે કે આ વધી પણ શકે છે અને બે પરમાણુ સશસ્ત્ર દેશો માટે અને દુનિયા માટે આ ખતરનાક હશે.
આ પહેલાં ઇમરાન ખાને મંગળવારે કહ્યું હતું કે પાકિસ્તાન માટે કાશ્મીર સુરક્ષાની પ્રથમ પંક્તિ છે. તેની કૅબિનેટે નિર્ણય કર્યો છે કે વડા પ્રધાન મોદી જ્યારે આગામી મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે એ દરમિયાન પાકિસ્તાન કાશ્મીરમાં સ્થિતિને રેખાંકિત કરશે. ખાનની અધ્યક્ષતામાં મંગળવારે થયેલી બેઠક પછી આ ઘટનાક્રમ સામે આવ્યો હતો. મોદી ૨૭ સપ્ટેમ્બરે ઇમરાન ખાન પહેલાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે.

ઇમરાન ખાન તો આઇએસઆઇનો પોપટ છેઃ સુબ્રહ્મણ્યમ સ્વામી

કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અને બીજેપીના બોલકા નેતા ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાની ગુપ્તચર વિભાગના પોપટ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ઇમરાન ખાન જે કંઈ બોલી રહ્યા છે એ બધી આઇએસઆઇની ભાષા છે. તેમના પોતાના અભિપ્રાય જેવું કશું નથી.
જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી ૩૭૦મી કલમ રદ કરવા અંગે બોલતાં તેમણે કહ્યું કે હવે ફક્ત પાક કબજા હેઠળના કાશ્મીરનો સવાલ રહ્યો છે.

પાકિસ્તાન ભરાયું

જમ્મુ-કાશ્મીર અને કલમ-૩૭૦ને લઈને ભારત સરકારે ભરેલું પગલું પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની ગયું છે. આ મામલે યુએન જેવા દુનિયાના સૌથી શક્તિશાળી સંગઠન અને અમેરિકા, રશિયા, ચીન તથા યુએઈ જેવા શક્તિશાળી દેશો સામે આંખ-નાક રગડી આવ્યા બાદ પણ ભારોભાર નિષ્ફળતા મળતાં હવે આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જવા માગે છે, પરંતુ પાકિસ્તાનને એના જ ઘરમાં ખાસ સમર્થન નથી મળી રહ્યું.
ભારત સરકારના નિર્ણય વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટ (આઇસીજે)માં જવાની વિદેશપ્રધાન શાહ મેહમૂદ કુરેશીની જાહેરાતને લઈને પાકિસ્તાનમાં સર્વસંમતિ છે કે પછી આ પગલું ભારત વિરુદ્ધ ઉઠાવવામાં આવેલું એક પછી એક વાહિયાત પગલાંમાનું એક પગલું છે. પાકિસ્તાનમાંથી ઊઠી રહેલા અવાજોને જોતાં તો આ મામલો કંઈક અલગ જ લાગે છે. તરફડિયાં મારતું પાકિસ્તાન આઇસીજેમાં જવાની પોકળ ધમકી તો આપી બેઠું, પરંતુ હકીકત એ છે કે દેશનું કાયદા મંત્રાલય જ એને લઈને અસમંજસની સ્થિતિમાં છે.
પાકિસ્તાનના એક જાણીતા સમાચારપત્રએ જણાવ્યા મુજબ કાયદા મંત્રાલયે હજી આ મામલો આઇસીજેમાં ઉઠાવવો કે નહીં એ વિશે પોતાનો અંતિમ અભિપ્રાય આપવાનો બાકી છે. મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યા મુજબ આ વિશે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. એટલે સુધી કે આંતરરાષ્ટ્રીય મામલાઓના જાણકાર અનેક વકીલોએ પણ વિદેશ પ્રધાનના આ નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. અખબારના રિપોર્ટમાં કહેવાયું છે કે આ વિશે મત વિભાજન થયું છે. આઇસીજેના ક્ષેત્રાધિકારને ધ્યાનમાં રાખીને મામલો કોર્ટમાં લઈ જવાય કે નહીં.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના એક વરિષ્ઠ નેતાએ અખબારને જણાવ્યું હતું કે પાર્ટીના વરિષ્ઠ નેતા બ્રિટન સ્થિત એક વકીલના સંપર્કમાં છે જેમનું માનવું છે કે પાકિસ્તાને આઇસીજેમાં ભારત વિરુદ્ધ કાશ્મીર મુદ્દો ઉઠાવવો જોઈએ. પીટીઆઇના નેતાએ કહ્યું કે એક સંઘીય મંત્રીએ બેન એમર્સન નામની વ્યક્તિ સાથે વડાપ્રધાન ઇમરાન ખાનની મુલાકાત કરાવી જેમણે આ મામલે આઇસીજેમાં જવાની સલાહ આપી અને ત્યાર બાદ વિદેશ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન આ મુદ્દો આઇસીજેમાં ઉઠાવવા જઈ રહ્યું છે.



imran khan pakistan