સંસદમાં જ કહ્યું...હું તમને જોયા કરું તો તમને કોઈ વાંધો તો નથીને?

09 December, 2012 05:44 AM IST  | 

સંસદમાં જ કહ્યું...હું તમને જોયા કરું તો તમને કોઈ વાંધો તો નથીને?




શ્રીલંકાની સરકારના એક સિનિયર પ્રધાન દેશની સંસદમાં જ ભૂતપૂર્વ બ્યુટી-ક્વીન રહી ચૂકેલી સંસદસભ્યની સુંદરતાનાં વખાણ કરવા બદલ ચર્ચામાં છે. ભૂતપૂર્વ મિસ શ્રીલંકા અને ભૂતપૂર્વ મિસિસ વલ્ર્ડ રોઝી સેનાનાયકે અત્યારે સંસદસભ્ય છે. તેઓ અગાઉ મલેશિયામાં શ્રીલંકાના હાઈ કમિશનરપદે પણ હતાં. ગુરુવારે તેમણે સંસદની બેઠક દરમ્યાન દેશના ટ્રાન્સર્પોટ પ્રધાન કુમારા વેલ્ગામાને ટ્રાન્સર્પોટ ર્બોડની સ્થિતિ વિશે સવાલ પૂછ્યો હતો.

સેનાનાયકેએ સવાલ પૂછતાં ટ્રાન્સર્પોટ પ્રધાન વેલ્ગામા રીતસર પાણીપાણી થઈ ગયા હતા. સવાલ તો બાજુએ રહ્યો, તેમણે સેનાનાયકેની સુંદરતાનાં વખાણ શરૂ કરી દીધાં હતાં. વેલ્ગામાએ કહ્યું હતું કે ‘તમે એટલાં ચાર્મિંગ છો કે ફીલિંગ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. તમે જો સંસદની બહાર મળશો તો હું મારી લાગણી તમારી સમક્ષ વ્યક્ત કરીશ. સંસદમાં ૧૯ વર્ષની કરીઅરમાં આજનો દિવસ મારા માટે સૌથી હૅપી છે. હું અત્યંત ખુશ છું કે તમારા જેવી સુંદર સ્ત્રીએ મને સવાલ પૂછ્યો છે. હું તમને જોયા કરું તો તમને કોઈ વાંધો તો નથીને?’

વેલ્ગામાની આ અણધારી રોમૅન્ટિક ડાયલૉગબાજીથી સેનાનાયકે નારાજ થઈ ગયાં હતાં. પછીથી તેમણે કહ્યું હતું કે ‘હું તેમનાં નિવેદનોને મારું ઇન્સલ્ટ માનું છું. માત્ર મારા દેખાવને જ મહત્વ આપીને તેમણે મારું અપમાન કર્યું છે.’