ફ્લૉરિડામાં ઇયાન વાવાઝોડાને કારણે ૬0 જણનાં મૃત્યુ

03 October, 2022 08:59 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વાવાઝોડા ઇયાનથી મોત બદલ સંવેદના વ્યક્ત કરી હતી

ફ્લૉરિડામાં ઇયાન વાવાઝોડાનો કહેર

ફ્લોરિડામાં ભારે વાવાઝોડા ઇયાનને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા શનિવારે વધીને ૬૦ થઈ હતી. જે અત્યાર સુધી અમેરિકામાં ત્રાટકેલું સૌથી પાવરફુલ વાવાઝોડું છે.

ફ્લૉરિડા રાજ્યના દક્ષિણ-પશ્ચિમ કાંઠા અને એની આસપાસના જળમગ્ન વિસ્તારોમાં બચાવકર્તાઓ હજી પીડિતો માટે શોધ અભિયાન ચલાવી રહ્યા છે. બુધવારે કૅટેગરી ૪નું પાવરફુલ વાવાઝોડું ફૂંકાતાં ઘરો, રેસ્ટોરાં અને ઑફિસો નષ્ટ પામ્યાં હતાં.

ફ્લોરિડા મેડિકલ એક્ઝામિનર્સ કમિશન અનુસાર વાવાઝોડાને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૬૦ પર પહોંચી છે, પરંતુ હજી બચાવ અને રાહત કામગીરી ચાલી રહી હોવાને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.

સૌથી વધુ અસર લી કાઉન્ટીને થઈ છે, એકલી આ કાઉન્ટીમાં જ ૩૫ જણનાં મોત નીપજ્યાં હતાં. એનબીસી અને સીબીએસ સહિતના અમેરિકન મીડિયા હાઉસિસ અનુસાર આ વાવાઝોડાને કારણે ૭૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

લી કાઉન્ટીમાં બચાવકર્તાઓ હજી ફસાયેલા લોકોને બોટ્સમાં બેસાડી સલામત સ્થળે લઈ જઈ રહ્યા છે. મુખ્ય માર્ગો પર કાટમાળ, વાહનો અને તૂટેલાં વૃક્ષો પણ જોવા મળે છે.

વીજકાપને કારણે ફ્લોરિડામાં શનિવારે રાતે નવ લાખથી વધુ લોકો અંધારામાં રહ્યા હતા. જેની સીધી અસર બચાવ કામગીરી પર પણ પડી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વાવાઝોડા ઇયાનથી મોત બદલ સંવેદના વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે ‘વાવાઝોડા ઇયાનને કારણે કીમતી જીવનના નુકસાન અને વિનાશ બદલ હું પ્રેસિડન્ટ જો બાઇડન પ્રત્યે ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદનાઓ અમેરિકાના લોકોની સાથે છે.’

international news united states of america