હોંગકોંગમાં પ્રત્યાપર્ણ બિલ સામે લાખો લોકોનો દેખાવો, 8 કલાક શહેર જામ

13 June, 2019 08:39 PM IST  |  હોંગકોંગ

હોંગકોંગમાં પ્રત્યાપર્ણ બિલ સામે લાખો લોકોનો દેખાવો, 8 કલાક શહેર જામ

હોંગકોંગમાં લાખો લોકો રસ્તા પર આવી ચડ્યા (PC : Anthony Wallace, AFP)

હોંગકોંગ : હોંગકોંગ શહેરમાં અત્યારે ભારેલો અગ્નિ ફાટી નિકળ્યો છે. પ્રત્યાપર્ણ બિલના વિરોધમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રસ્તાવિત પ્રત્યાર્પણ બિલ સામે હોંગકોંગમાં ત્રણ દિવસ પછી ફરીવાર દેખાવો કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકર્તાઓએ બિલ પાછું ખેંચવા સરકારને બુધવાર સવારના 7 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. આ સમયસીમા વીતી જતાં વરસાદ છતાં 50 હજારથી વધુ લોકો કાળાં કપડાંમાં માર્ગો પર ઊતરી આવ્યા. માર્ગો પર ચક્કાજામ કરી 8 કલાક સુધી શહેરમાં આવી સ્થિતિ સર્જી. બપોરના લગભગ સાડા ત્રણ વાગ્યે દેખાવકારો સંસદ તરફ વધવા લાગ્યા તો તેમણે અટકાવવા પોલીસે લાઠીચાર્જ કર્યો. તેની સામે પથ્થરમારો શરૂ થઈ ગયો. પોલીસે ટીયરગેસ છોડ્યો, રબર બુલેટ પણ ચલાવી હતી. ઘટનામાં 25થી વધુ લોકો ઘવાયા. 100થી વધુ લોકોની અટકાયત કરાઈ હતી.

 

UK 22 વર્ષ પહેલાં હોંગકોંગ ચીનને સોંપ્યું હતું

વર્ષ 1997માં યુકે-ચીન વચ્ચેના કરાર મુજબ હોંગકોંગ ચીનને સોંપવામાં આવ્યું હતું. ત્યાર બાદથી હોંગકોંગમાં રાજકીય અસ્થિરતા ઊભી થઈ હતી. સ્ટુડન્ટ, ધાર્મિક સંગઠનો અને બિઝનેસ પ્રતિનિધિઓ પ્રત્યાર્પણ બિલનો સખત વિરોધ કરી રહ્યાં છે.



પ્રત્યાર્પણનો કાયદો શું કહે છે તે જાણો...

અત્યારેહોંગકોંગના વર્તમાન પ્રત્યાર્પણ કાયદામાં અનેક દેશો સાથે પ્રત્યાર્પણ સમજૂતી નથી. ચીનને પણ હજુ સુધી પ્રત્યાર્પણ કરારથી બહાર રખાયું હતું પણ નવું બિલ આ કાયદામાં વિસ્તરણ કરશે અને તાઇવાન, મકાઉ અને મેનલેન્ડ ચીન સાથે પણ શંકાસ્પદોના પ્રત્યાર્પણને મંજૂરી આપશે.


શું છે પ્રત્યાર્પણ બિલમાં?

હોંગકોંગમાં હાલના પ્રત્યાર્પણ કાયદામાં ચીન સહિતના દેશો સામેલ નથી. નવા બિલમાં ચીન ઉપરાંત તાઇવાન અને મકાઉને સામેલ કરવાનો પ્રસ્તાવ છે. જેનો અર્થ એ થયો કે નાસી આવેલા વિદેશી આરોપીને જે-તે દેશના હવાલે કરવાનો રહે છે. વિરોધ કરી રહેલા લોકો આ બિલને અપારદર્શી ગણાવી રહ્યાં છે તેમજ ચીન આ બિલનો ખોટો ઉપયોગ કરી શકે તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો : હોંગકોંગમાં પ્રત્યાપર્ણ બિલના વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતર્યા, 79 ઘાયલ

પ્રસ્તાવ પર 20મી જૂને વોટિંગ

વિરોધ છતાં હોંગકોંગ ઓથોરિટી પ્રત્યાર્પણ બિલ લાવવા મક્કમ છે. હોંગકોંગની ચીફ એક્ઝિક્યુટિવ લીડર કૈરી લેમે આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવાશે. બુધવારે હિંસાના કારણે બીજી વખત સદનમાં બિલ વાંચી શકાયું નહોતું. હવે 20 જૂને આ પ્રસ્તાવ પર અંતિમ મતદાન થશે.