હોંગકોંગમાં પ્રત્યાપર્ણ બિલના વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતર્યા, 79 ઘાયલ

13 June, 2019 08:24 PM IST  |  હોંગકોંગ

હોંગકોંગમાં પ્રત્યાપર્ણ બિલના વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતર્યા, 79 ઘાયલ

હોંગકોંગમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા (PC : Reuters)

હોંગકોંગ : હોંગકોંગમાં અત્યારે મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર આવી ગયા છે. હોંગકોંગમાં વિવાદાસ્પદ અને પ્રસ્તાવિત પ્રત્યાર્પણ (એક્સ્ટ્રાડિશન) બિલના વિરોધમાં ચાર દિવસથી પ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનકારીઓએ બિલને પાછું લેવા માટે સરકારને બુધવાર સવારે 7 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. આ સમયમર્યાદા પૂરી થતાં જ વરસતા વરસાદમાં 50 હજારથી વધુ લોકો કાળાં કપડાં પહેરી રસ્તા પર ઉતરી આવ્યાં હતાં.

 

રસ્તાઓ પર મોટી સંખ્યામાં આવી પહોંચતા લોકોને રોકવા માટે પોલીસે લોકો પર રબ્બરની ગોળીઓ છોડી હતી. તો ટીયર ગેસના સેલ અને પૅપર સ્પેનો પણ ઉપયોગ કર્યો હતો. જેમાં 79 લોકો ઘાયલ થયા હતા, બે લોકોની હાલત ગંભીર છે. લોકોએ પણ સામે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

 

UK 22 વર્ષ પહેલાં હોંગકોંગ ચીનને સોંપ્યું હતું

વર્ષ 1997માં યુકે-ચીન વચ્ચેના કરાર મુજબ હોંગકોંગ ચીનને સોંપવામાં આવ્યું હતું. ત્યાર બાદથી હોંગકોંગમાં રાજકીય અસ્થિરતા ઊભી થઈ હતી. સ્ટુડન્ટ, ધાર્મિક સંગઠનો અને બિઝનેસ પ્રતિનિધિઓ પ્રત્યાર્પણ બિલનો સખત વિરોધ કરી રહ્યાં છે.

 

શું છે પ્રત્યાર્પણ બિલમાં?

હોંગકોંગમાં હાલના પ્રત્યાર્પણ કાયદામાં ચીન સહિતના દેશો સામેલ નથી. નવા બિલમાં ચીન ઉપરાંત તાઇવાન અને મકાઉને સામેલ કરવાનો પ્રસ્તાવ છે. જેનો અર્થ એ થયો કે નાસી આવેલા વિદેશી આરોપીને જે-તે દેશના હવાલે કરવાનો રહે છે. વિરોધ કરી રહેલા લોકો આ બિલને અપારદર્શી ગણાવી રહ્યાં છે તેમજ ચીન આ બિલનો ખોટો ઉપયોગ કરી શકે તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

 

પ્રસ્તાવ પર 20મી જૂને વોટિંગ

વિરોધ છતાં હોંગકોંગ ઓથોરિટી પ્રત્યાર્પણ બિલ લાવવા મક્કમ છે. હોંગકોંગની ચીફ એક્ઝિક્યુટિવ લીડર કૈરી લેમે આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવાશે. બુધવારે હિંસાના કારણે બીજી વખત સદનમાં બિલ વાંચી શકાયું નહોતું. હવે 20 જૂને આ પ્રસ્તાવ પર અંતિમ મતદાન થશે.