અમેરિકાએ રચ્યો ઇતિહાસ : નાસાનું હ્યુમન સ્પેસ મિશન સ્પેસએક્સ લૉન્ચ

01 June, 2020 02:30 PM IST  |  Mumbai Desk | Agencies

અમેરિકાએ રચ્યો ઇતિહાસ : નાસાનું હ્યુમન સ્પેસ મિશન સ્પેસએક્સ લૉન્ચ

ખાનગી અવકાશયાત્રા ક્ષેત્રે ગઈ કાલે એક ઇતિહાસ રચાયો હતો. સ્પેસએક્સનું પ્રાઇવેટ રૉકેટ ફાલ્કન-9 બે અમેરિકન અવકાશયાત્રીઓને લઈને ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર જવા રવાના થયું હતું. તસવીરો : એ.એફ.પી.

ઍલન મસ્કની કંપની સ્પેસએક્સનું પ્રાઇવેટ રૉકેટ ફાલ્કન-9 શનિવારે સ્થાનિક સમય મુજબ બપોરે ૩.૨૨ વાગ્યે બે અમેરિકન અવકાશયાત્રીઓને લઈને ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર જવા રવાના થયું હતું. આ સાથે જ ખાનગી અવકાશયાત્રા ક્ષેત્રે એક ઇતિહાસ રચાયો છે. કાઉન્ટડાઉન પૂર્ણ થતાં જ નાસાના રૉબર્ટ બેનકેન અને ડગ્લસ હર્લી નામના બે અવકાશયાત્રીઓને લઈને ક્રૂ ડ્રૅગન કૅપ્સ્યૂલ સાથે ફાલ્કન-9 પોતાની યાત્રા પર રવાના થયું હતું.

રૉકેટે ગણતરીની પળોમાં જ અવકાશયાત્રીઓને સુરક્ષિત ભ્રમણકક્ષામાં પહોંચાડી દીધા હતા. સ્પેસ એજન્સી નાસા આ ઑપરેશન પર બારીક નજર રાખી રહી હતી. આ મિશન પૂર્વે ડગ્લસ હર્લેએ જણાવ્યું હતું કે ‘આવો અહીં દીવો પ્રગટાવીએ.’ આ જ વાક્ય ૧૯૬૧માં એલન શેફર્ડે પણ પ્રથમ માનવ સ્પેસ મિશન વખતે ઉચ્ચાર્યું હતું. અમેરિકાએ સૌપ્રથમ વખત ખાનગી કંપનીના રૉકેટ દ્વારા ક્રૂ ડ્રૅગન કૅપ્સ્યૂલમાં અવકાશયાત્રીઓ સાથે ઉડાન ભરી છે. આ પ્રક્ષેપણ સાથે જ કમર્શિયલ સ્પેસ ટ્રાવેલના એક નવા યુગનો પ્રારંભ થયો છે. રશિયા અને ચીન આ મિશન હાથ ધરી ચૂક્યાં છે. અવકાશમાં જતી વખતે યાત્રીઓને ત્યાં હવાની ગતિ નિયંત્રણના દાયરામાં રહેવાની જરૂર પડશે. ઑર્બિટમાં સફળતાપૂર્વક પહોંચ્યા બાદ ૧૯ કલાક પછી આ અવકાશયાત્રીઓ તેમના ગંતવ્યસ્થાન આંતરરાષ્ટ્રીય અવકાશમથકે પહોંચશે.

international news united states of america nasa