બરાક ઓબામાને ભૂંડામાં ભૂંડી ગાળો ભાંડી

07 September, 2016 03:54 AM IST  | 

બરાક ઓબામાને ભૂંડામાં ભૂંડી ગાળો ભાંડી



ફિલિપીન્સના પ્રમુખ રોદ્રિગો દુતાર્તે‍એ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા માટે અપશબ્દો વાપરતાં વાઇટ હાઉસે બન્ને પ્રમુખો વચ્ચે યોજાનારી બેઠક રદ કરી નાખી હતી. ફિલિપીન્સના પ્રમુખે ઓબામાને વેશ્યાની ઑલાદ અને સન ઑફ બિચ જેવા અણછાજતા શબ્દો વાપર્યા હતા.

ફિલિપીન્સના પ્રમુખની આવી ઊતરતી કક્ષાની વાણી બાદ વાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે બન્ને પ્રમુખો વચ્ચે દ્વિપક્ષી મંત્રણા હવે નહીં યોજાય.

બન્ને પ્રમુખ વચ્ચે લાઓસમાં મંત્રણા થવાની હતી. આ મંત્રણા પૂર્વે ફિલિપીન્સના નવા ચૂંટાયેલા પ્રમુખ રોડ્રિગો ડુટાર્ટેએ સોમવારે કહ્યું હતું કે ‘અમે લાઓસમાં મળીશું ત્યારે માનવ અધિકાર પર ઓબામાનું લેક્ચર હું કંઈ સાંભળી લેવાનો નથી. ફિલિપીન્સ એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને હું એનો પ્રમુખ છું. તે તેમના મનમાં સમજે છે શું? હું કેઈ અમેરિકાના હાથની કઠપૂતળી નથી. ફિલિપીન્સના લોકો સિવાય હું કોઈને જવાબ આપવા બંધાયેલો નથી. સન ઑફ બિચ, હું તને જોઈ લઈશ.’

વાઇટ હાઉસે રોડ્રિગો ડુટાર્ટે સાથેની ઓબામાની બેઠક રદ કરી નાખી : ફિલિપીન્સના પ્રમુખને ભૂલ સમજાતાં તેમણે માફી માગી લીધી

વાસ્તવમાં ફિલિપીન્સમાં કૅફી દ્રવ્યોની હેરાફેરી કરનારા સામે લેવામાં આવતાં આકરાં પગલાં વિશેનો મુદ્દો ઓબામા ઉઠાવવાના હતા. ડ્રગ્સના ધંધામા સંડોવાયેલા આશરે બે હજાર લોકોને ઠાર મારવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

જોકે ફિલિપીન્સના પ્રમુખ રોડ્રિગો ડુટાર્ટે પાછળથી તેમની ભૂલ સમજાઈ હતી અને તેમણે તરત જ માફી માગી લીધી હતી.

રોડ્રિગો ડુટાર્ટે ૨૦૧૬ની ૩૦ જૂને ફિલિપીન્સના પ્રમુખ બન્યા હતા. પ્રમુખ બન્યા પહેલાં અને પછી તે વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતા છે.

ગયા મહિને તેમણે સમાંતર સંયુક્ત રાષ્ટ્રસંઘ બનાવવાની પણ ધમકી આપી હતી. દેહાંતદંડની તે તરફેણમાં છે અને ડ્રગ્સની હેરાફેરી કરનારને મોતને ઘાટ ઉતારનાર સામાન્ય નાગરિકો અને સલામતી દળોને ઇનામ આપવાની પણ તે જાહેરાત કરી ચૂક્યા છે.

આ તો ઠીક, તાજેતરમાં એક પ્રેસ-કૉન્ફરન્સમાં તેમણે એક મહિલા પત્રકારને સીટી પણ મારી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ બાન કી-મૂન એવું કહી ચૂક્યા છે કે ફિલિપીન્સના પ્રમુખનાં વર્તન અને વાણી બન્નેથી હું પરેશાન છું.