કેલિફોર્નિયાના જંગલોમાં આગ ઓલવવા ગયેલું હેલિકૉપ્ટર ક્રેશ, પાયલટનું મોત

22 August, 2020 04:26 PM IST  |  San Francisco | Gujarati Mid-day Online Correspondent

કેલિફોર્નિયાના જંગલોમાં આગ ઓલવવા ગયેલું હેલિકૉપ્ટર ક્રેશ, પાયલટનું મોત

તસવીર સૌજન્ય: એપી

ઉત્તરી કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે અને શુક્રવારે તે વધારે વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. આ જંગલની આગ એ રાજ્યના ઇતિહાસમાં વનવિભાગની સૌથી મોટી ઘટના છે. આગને લીધે મોટી સંખ્યામાં લોકો ઘર છોડવા માટે મજબુર થઈ ગયાં છે. હેલિકૉપ્ટર અને એરિયલ ટેન્કરોના 12,000 થી વધુ અગ્નિશામકો કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગને ઓલવી રહ્યાં છે. આગને લીધે 500થી વધુ બાંધકામોનો નાશ થઈ ગયાં છે અને અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયાં છે. ક્ષેત્રમાં આવતા 1,40,000 કરતા પણ વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

કેલિફોર્નિયાના જંગલોમાં 780 વર્ગ મીલ એટલે કે 2,020 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં આગ લાગી છે. ફાયર ડિપાર્ટમેન્ટના વડા બેન નિકોલે કહ્યું કે, એલએનયુ કેમ્પસમાં આગ ઓલવવાનું કામ કરતા કર્મચારીઓની સંખ્યા વધારીને 1,000 કરતા વધારે કરવામાં આવી છે. પવનને કારણે વધી રહેલી આગને કાબૂમાં રાખવામાં રોકાયેલ એક હૅલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે અને પાઈલટનું મૃત્યુ થયું છે. આગ પર પાણી નાખવા માટે ગયેલું હૅલિકૉપ્ટર કોઆલિંગા પાસે ક્રેશ થઈ ગયું હતું.

કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝમે આગની વધતી જતી ઘટનાઓને કારણે કટોકટી જાહેર કરી છે. સૅન ફ્રાન્સિસ્કો પાસે રહેતા હજારો લોકોએ આગને લીધે ઘર છોડી દીધા છે. મોટી સંખ્યમાં જાનવરો પણ મૃત્યુ પામ્યા છે.

international news california san francisco