ઑસ્ટ્રેલિયામાં ભીષણ આગઃ વડા પ્રધાને વેકેશન માણવા બદલ લોકોની માફી માગી

23 December, 2019 03:17 PM IST  |  Sydney

ઑસ્ટ્રેલિયામાં ભીષણ આગઃ વડા પ્રધાને વેકેશન માણવા બદલ લોકોની માફી માગી

ઓસ્ટ્રેલિયામાં ભિષણ આગ

(જી.એન.એસ.) ઑસ્ટ્રેલિયાના જંગલ વિસ્તારમાં લાગેલી ભીષણ આગને પગલે અનેક રાજ્યોમાં કટોકટીની સ્થિતિ સર્જાઈ છે ત્યારે વડા પ્રધાન સ્કોટ મોરિસન હવાઈમાં પરિવાર સાથે વેકેશન માણી રહ્યા હતા. જંગલમાં લાગેલી આગ આસપાસનાં ઘરો સુધી પ્રસરતાં સંખ્યાબંધ લોકો ઘરવિહોણા થયા છે અને અત્યાર સુધીમાં બેથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. વડા પ્રધાન સ્કોટ મોરિસને દેશમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે ત્યારે પરિવાર સાથે વૅકેશન પર જવા બદલ માફી માગી છે.

ઑસ્ટ્રેલિયન લોકોના ગુસ્સાનો તાગ પામી ગયેલા મોરિસને પોતાનું વેકેશન અધવચ્ચે જ છોડી દીધું છે. દેશમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હોવાથી તેઓ શનિવારે જ વતન પરત ફર્યા હતા અને રવિવારે રિપોર્ટર્સ સાથે વાતચીત કરી હતી તેમ જ સિડની ગ્રામ્ય ફાયર સેવાના મુખ્યાલયની મુલાકાત પણ લીધી હતી.

મોરિસને પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે ‘મને ખ્યાલ છે કે દેશના નાગરિકો પ્રબુદ્ધ છે અને એક વખત બાળકોને કરેલા વચન પછી તેને પાળવું પડે છે તે સમજી શકે છે. જોકે મને ખ્યાલ છે કે એક દેશના વડા પ્રધાન તરીકે પણ મારી જવાબદારીઓ રહેલી છે અને હું તે સ્વીકારું છું, હું ટીકાને પણ સ્વીકારું છું. આ સમય રાજકીય લાભ ખાટવાનો નથી પણ એકબીજા પ્રત્યે દયાભાવનો છે.’

world news australia