તુર્કીમાં પાવરફુલ ધરતીકંપ ૭.૨ કિલોમીટરની ઓછી ઊંડાઈએ આવતાં ભારે તારાજી

24 October, 2011 04:19 PM IST  | 

તુર્કીમાં પાવરફુલ ધરતીકંપ ૭.૨ કિલોમીટરની ઓછી ઊંડાઈએ આવતાં ભારે તારાજી

 

 

ઇસ્તનબુલના કાન્ડિલી સિસ્મોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર પ્રોફેસર મુસ્તફા એર્ડિકે પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં કહ્યું હતું કે ‘ભૂકંપમાં ૧૦૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા હોવાનો ભય સેવાઈ રહ્યો છે. વાનમાં ૧૦ મકાનો અને એર્કિસમાં ૨૫થી ૩૦ મકાનો તૂટી પડ્યાના અહેવાલો મળ્યા છે.’

ભૂકંપના પ્રાથમિક રિપોર્ટમાં જાનહાનિના આંકડા વિશે કશું કહેવામાં નહોતું આવ્યું, પરંતુ અનેક લોકો ધરાશાયી થયેલાં મકાનોના કાટમાળ હેઠળ દટાઈ ગયા છે. અધિકારીઓએ કહ્યું હતું કે ‘અમે હાલને તબક્કે થયેલી જાનહાનિ કે નુકસાનનો અંદાજ કાઢવામાં અસમર્થ છીએ. વાનમાં જ ૫૦ જેટલો લોકોને હૉસ્પિટલમાં ખસેડવામાંઆવ્યા છે.’

 

 

જંગી નુકસાન

નૅશનલ ડિઝૅસ્ટર બોડીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ‘ભૂકંપને લીધે ભયંકર જાનહાનિ અને નુકસાન થયાં છે. અનેક બહુમાળી મકાનો, હોટેલો અને ડૉર્મિટરી તૂટી પડ્યાં છે.

ટીવી-ફુટેજમાં તૂટી પડેલાં મકાનો, વાહનો તથા સંકડો લોકો ગભરાટના માર્યા ભાગદોડ કરતા હોય એવું બતાવવામાં આવ્યું છે. લોકો ઘણા ગભરાઈ ગયા છે. ટેલિકમ્યુનિકેશન્સ સર્વિસ ખોરવાઈ ગઈ છે. સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં સૅટેલાઇટ ફોન મોકલવાનો પ્રયાસ કરી રહી છે. લશ્કરે રાહત અને બચાવ-કામગીરી શરૂ કરી દીધી છે.’

કુર્દ લોકોને માર


વડા પ્રધાન રેકેપ તાયીપ ઇર્ડોગન પોતાના સત્તાવાર કાર્યક્રમ રદ કરીને ભૂકંપગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ઊપડી ગયા છે. અંકારાથી ૧૨૦૦ કિલોમીટર દૂર આવેલા વાનમાં ૩,૮૦,૦૦૦ જેટલા કુર્દ લોકો રહેતા હોવાથી તેમને ભૂકંપનો ખાસ્સો માર પડ્યો છે.


ચીસ સંભળાઈ રહી છે


અનેક લોકો મકાનના કાટમાળ નીચે દટાઈ ગયા છે અને તેમની વેદનાભરી ચીસો સંભળાઈ રહી છે. આ દેશને અત્યારે ડૉક્ટરોની તાતી જરૂર છે. જોકે લોકોને રહેવા માટે તંબુ બાંધવામાં આવી રહ્યા છે.

વારંવાર ભૂકંપ આવે છે


તુર્કીમાં અનેક ફૉલ્ટલાઇન પસાર થતી હોવાથી અહીં વારંવાર ભૂકંપ આવે છે. ૧૯૯૯માં વાયવ્ય તુર્કીમાં આવેલા બે શક્તિશાળી ભૂકંપમાં ૨૦,૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ૧૯૭૬માં વાન પ્રાંતના કાલ્ડિરનમાં ભૂકંપ આવતાં ૩૮૪૦ લોકો મૃત્યુ પામ્યા હતા.