નરેન્દ્ર મોદી ઇચ્છે ત્યારે વીઝા માટે અપ્લાય કરી શકે છે : અમેરિકા

31 October, 2012 02:57 AM IST  | 

નરેન્દ્ર મોદી ઇચ્છે ત્યારે વીઝા માટે અપ્લાય કરી શકે છે : અમેરિકા



૨૦૦૨નાં રમખાણોના પગલે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને વીઝા આપવાનો ઇનકાર કરનાર અમેરિકાએ હવે એનું વલણ કૂણું પડ્યું હોવાનો સંકેત આપ્યો છે. ગઈ કાલે અમેરિકાના નાયબ વિદેશપ્રધાન રૉબર્ટ બ્લૅકે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અમેરિકાના વીઝા માટે અપ્લાય કરી શકે છે. જ્યારે પણ તેઓ અપ્લાય કરશે ત્યારે નૉર્મલ પ્રોસીજર પ્રમાણે તેમની અરજી હાથ ધરવામાં આવશે.

એક પ્રાઇવેટ ન્યુઝ-ચૅનલને આપેલી મુલાકાતમાં બ્લૅકે કહ્યું હતું કે ગુજરાત સાથે અમેરિકાના ઘણા સારા સંબંધો છે અને અમેરિકી કંપનીઓ માટે પણ ગુજરાત ઘણું સારું માર્કેટ છે.

થોડા સમય પહેલાં જ બ્રિટને મોદી સાથેના રાજદ્વારી સંબંધો ફરી બહાલ કર્યા હતા. બ્રિટને ભારતના તેમના હાઈ કમિશનરને મોદીને મળવાનો આદેશ આપ્યો હતો. હવે બ્રિટને મોદીના બહિષ્કારનો અંત લાવતાં અમેરિકા પણ એને અનુસરશે એવી અટકળો થઈ રહી હતી. હમણાં જ અમેરિકાના અન્ય એક નાયબ વિદેશપ્રધાન વિલિમય બન્ર્સે પણ કહ્યું હતું કે મોદીની વીઝા અરજીને અમેરિકાના ઇમિગ્રેશન કાયદા મુજબ હાથ ધરવામાં આવશે. બન્ર્સે જોકે મોદી પ્રત્યેની નીતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી એમ કહ્યું હતું.