Google Doodle: આ મહિલા વૈજ્ઞાનિકનો ઉજવાયો જન્મદિવસ, જાણો તેના મહાન કાર્યો

17 July, 2023 03:11 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

ગૂગલ આજે ડૂડલ દ્વારા અમેરિકન વૈજ્ઞાનિક યુનિસ ન્યૂટન ફૂટનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આજે યુનિસ ન્યૂટન ફૂટનો 204મો જન્મદિવસ છે.

તસવીર સૌજન્ય: ગૂગલ સ્ક્રીનશોટ

ગૂગલ (Google) આજે ડૂડલ (Doodle) દ્વારા અમેરિકન વૈજ્ઞાનિક યુનિસ ન્યૂટન ફૂટ (Eunice Newton Foote)નો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આજે યુનિસ ન્યૂટન ફૂટનો 204મો જન્મદિવસ છે. યુનિસ ન્યૂટન ફૂટ પોતે મહિલા અધિકાર કાર્યકર્તા પણ હતી. ગ્રીનહાઉસ અસરની શોધમાં તેણે સૌથી મોટું યોગદાન આપ્યું હતું. ગ્રીનહાઉસ અસર શું છે અને પૃથ્વીના સતત ઉષ્ણતામાં તેનું યોગદાન શું છે તે વિશે તેણે સૌપ્રથમ શોધ કરી હતી.

યુનિસ ન્યૂટન ફૂટનો જન્મ 17 જુલાઈ 1819ના રોજ કનેક્ટિકટમાં થયો હતો. તેણે ટ્રોય ફીમેલ સેમિનરી નામની સ્કૂલમાં ભણતર મેળવ્યું છે. આ શાળાની ખાસિયત એ છે કે અહીં વિદ્યાર્થીઓને વિજ્ઞાન લેક્ચર્સમાં હાજરી આપવા અને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળાઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. આમ, વિજ્ઞાન અને તેની સંબંધિત શોધો ફૂટના જીવનનો અભિન્ન ભાગ બની ગઈ.

આ સિવાય તેણે મહિલાઓના અધિકારો માટે પણ ઘણું કામ કર્યું છે. 1848માં તેણીએ સિનેસા ફોલ્સમાં પ્રથમ મહિલા અધિકાર સંમેલનમાં હાજરી આપી હતી. ઉપરાંત તે સેન્ટિમેન્ટ્સની ઘોષણા પર પાંચમી સહી કરનાર પણ બની હતી. તે એક દસ્તાવેજ છે જે મહિલાઓ માટે સામાજિક અને કાનૂની દરજ્જામાં સમાનતા માટે વાત રજૂ કરે છે. 

આ એવા સમયની વાત છે જ્યારે સ્ત્રીઓને વિજ્ઞાન સાથે દૂર-દૂરનો પણ કોઈ સંબંધ નહોતો. સ્ત્રીઓને  વિજ્ઞાન અને તેમાં થયેલી શોધોને લાયક પણ ગણવામાં આવતી ન હતી. ફૂટ દ્વારા કાચના સિલિન્ડરોની અંદર પારાના થર્મોમીટર્સ મુકવવામાં આવ્યા અને કાર્બન ડાયોક્સાઇડ ધરાવતું સિલિન્ડર સૂર્યપ્રકાશમાં સૌથી વધુ ગરમ થાય છે તેવી શોધ કરવામાં આવી. એના પરથી એમ તાત્પર્ય નીકળ્યું કે જેટલો કાર્બન ડાયોક્સાઇડ વધારે તેટલી ગરમી પણ વધારે.

ઉલ્લેખનીય છે કે આજે તેની એ જ શોધ ગ્લોબલ વોર્મિંગના રૂપે સમજાઈ રહી છે કે કેવી રીતે સતત કાર્બન ઉત્સર્જન પૃથ્વીને બમણી ઝડપે ગરમ કરી રહ્યું છે. ઉપરાંત જળવાયુ પરિવર્તનના ભયંકર પરિણામો વિશ્વના ખૂણે ખૂણે જોવા મળી રહ્યા છે.

આ મહત્વપૂર્ણ શોધ પછી ફૂટે વાતાવરણીય સ્થિર વીજળી વિશે પણ શોધ કરી હતી. અમેરિકામાં મહિલા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલી આ બંને શોધ પ્રથમ હતી. આ કાર્ય 1856માં એક પુરુષ વૈજ્ઞાનિક દ્વારા અમેરિકન એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. તે પછી ગ્રીન હાઉસ પર ઘણા વધુ પ્રયોગો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એ બાબત સ્પષ્ટ થઈ કે કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી પર જ સૂર્યની ગરમીને રોકે છે અને પૃથ્વીનું તાપમાન વધારવામાં ભૂમિકા ભજવે છે. 

આજે Google દ્વારા ડૂડલમાં આ અમેરિકન વૈજ્ઞાનિક અને મહિલા અધિકાર કાર્યકર્તા યુનિસ ન્યૂટન ફૂટની 204મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે તે પ્રશંસનીય બાબત છે.

google technology news tech news united states of america international news