જર્મનીનાં આયર્ન લેડી અન્ગેલા મર્કેલને ઓળખી લો

11 December, 2015 06:29 AM IST  | 

જર્મનીનાં આયર્ન લેડી અન્ગેલા મર્કેલને ઓળખી લો



અન્ગેલા મર્કેલના પ્રોફેસર પતિ જોઆકિમ સોઅર ભાગ્યે જ જાહેરમાં દેખાય છે.

આપણે ત્યાંના વડા પ્રધાનપદની સમકક્ષ જર્મનીમાં ચાન્સેલરનું પદ છે. જર્મનીની ક્રિશ્ચિયન ડેમોક્રૅટિક યુનિયન પાર્ટીનાં વડાં અન્ગેલા મર્કેલ છેલ્લી ત્રણ ટર્મથી આ પદ પર ચૂંટાતાં આવ્યાં છે. ત્યાં આ પદનો સમયગાળો ચાર વર્ષ હોય છે. ઈ. સ. ૨૦૦૫થી તેઓ ચાન્સેલરની ખુરસી પર બિરાજમાન છે.

અન્ગેલા મર્કેલનો જન્મ ઈ. સ. ૧૯૫૪માં પશ્ચિમ જર્મનીના હૅમ્બર્ગમાં થયો હતો, પરંતુ બીજા વિશ્વયુદ્ધના અંતે જ્યારે કોલ્ડ વૉર ફાટી નીકળી ત્યારે અન્ગેલાના પિતા હોર્સ્ટ કેસ્નર પરિવારને લઈને સોવિયેટ રશિયન શાસિત પૂર્વ જર્મની જતા રહ્યા અને કૅથલિકમાંથી પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની એક પાંખ એવો લ્યુથરેનિઝમ અપનાવી લીધો. એ વખતે હાઈ સ્કૂલમાં ઍડ્મિશન લેવા માટે ત્યારની સોવિયેટ સરકાર દ્વારા ચાલતી યુથ મૂવમેન્ટમાં સંકળાવું લગભગ ફરજિયાત હતું. એમાંથી અન્ગેલાને રાજકારણનો પહેલો પાઠ શીખવા મળ્યો. જોકે તેમનો આકરો મિજાજ જન્મજાત હતો. ફ્રી જર્મન યુથ પાર્ટીમાં ક્લચર સેક્રેટરી રહી ચૂક્યા બાદ તેઓ એક વખત પોતાના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડન્ટ સાથે બાખડી પડ્યાં હતાં. તેમણે ખુલ્લેઆમ કહી દીધેલું કે ‘સાચી વાત છે, મને શી ખબર પડે? મને લાગે છે કે હું ૮૦ વર્ષની થઈશ ત્યાં સુધી પણ મને કશી જ ખબર નહીં પડે.’

વિદ્યાર્થી તરીકે અન્ગેલાએ જર્મન ઉપરાંત રશિયનમાં પણ પ્રભુત્વ મેળવી લીધું. મૅથેમૅટિક્સમાં તેમની પારંગતતા જોઈને તેમણે ત્યાંની લાઇપઝિગ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ઈ. સ. ૧૯૭૮માં ત્યાંથી ડિગ્રી લઈને બહાર પડ્યા પછી તરત જ અન્ગેલાને ત્યાંની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં ભણવા તથા નોકરી કરવાની તક મળી ગઈ. ઈવન ત્યાં રહીને તેમણે ક્વૉન્ટમ કેમિસ્ટ્રીમાં ડૉક્ટરેટ પણ કરી લીધું અને સંખ્યાબંધ રિસર્ચ-પેપર પણ પબ્લિશ કર્યા.

ત્યાર બાદ જર્મનીમાં રાજકીય ધરતીકંપ આવ્યો. ઈ. સ. ૧૯૮૯માં કમ્યુનિઝમનો અસ્ત થયો અને પોલૅન્ડથી શરૂ થયેલી લોકક્રાન્તિ હંગેરી, પૂર્વ જર્મની, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા અને રોમાનિયા સુધી વિસ્તરી. સામ્યવાદના છદ્મસરમુખત્યારશાહી જેવા એકહથ્થુ શાસનથી કંટાળી ગયેલી પ્રજાએ બળવો કર્યો. પરિણામે બર્લિન વૉલ ધ્વસ્ત થઈ અને ૧૯૯૦માં જર્મની ફરી પાછું એક રાષ્ટ્ર તરીકે ઊભરી આવ્યું. આ પછી દેશમાં લોકતાંત્રિક માળખું રચવાની કવાયત તેજ થઈ અને અન્ગેલાએ સાંગોપાંગ રાજકારણમાં ઝંપલાવી દીધું.

પહેલી લોકશાહી ઢબે ચૂંટાયેલી તત્કાલીન ઈસ્ટ જર્મન ગવર્નમેન્ટમાં થોડો સમય તેમણે ડેપ્યુટી સ્પોક્સપર્સન તરીકે ફરજ બજાવી. ૧૯૯૧માં તત્કાલીન જર્મન ચાન્સેલર હેલ્મટ કોલની સરકારમાં અન્ગેલા ચૂંટાઈને સ્ત્રી અને યુવા ખાતાનાં મંત્રી બન્યાં. ત્રણ વર્ષ બાદ તેમને પર્યાવરણ અને ન્યુક્લિયર સેફ્ટી મિનિસ્ટર બનાવવામાં આવ્યાં. અન્ગેલા હેલ્મટ કોલનાં એટલાં માનીતાં રાજકારણી હતાં કે તેઓ ઘણી વાર જાહેરમાં પણ અન્ગેલાને માય ગર્લ કહીને બોલાવતા. ઈ. સ. ૧૯૯૮માં હેલ્મટ કોલનો ચૂંટણીમાં પરાજય થયો, પરંતુ અન્ગેલાનો સિતારો બુલંદ થવામાં હતો. ક્રિશ્ચિયન ડેમોક્રૅટિક યુનિયન પાર્ટીના લીડર વૉલ્ફગંગ શાઇબ્લા નાલેશીભર્યા ડોનેશન સ્કૅન્ડલમાં ફસાયા અને પાર્ટીનાં પહેલાં મહિલા લીડર તરીકે અન્ગેલાને ચૂંટવામાં આવ્યાં. આ સ્કૅન્ડલમાં અન્ગેલાના ગુરુ એવા હેલ્મટ કોલ પણ ખરડાયા હતા. ત્યારે અન્ગેલાએ તેમની પણ જાહેરમાં ટીકા કરીને તેમના વિના જ પાર્ટીને આગળ ધપાવવાની જાહેરાત કરી.

આ બધાને લીધે અન્ગેલાને એટલી બધી પ્રસિદ્ધિ મળી કે સૌ તેમને જર્મન ચાન્સેલર તરીકે જોવા માંડ્યા. ૨૦૦૨ની ચૂંટણી તો તેઓ જીતી શક્યાં નહીં, પણ વિરોધ પક્ષનાં નેતા જરૂર બન્યાં. આખરે ૨૦૦૫ના સપ્ટેમ્બરમાં યોજાયેલા જર્મન ફેડરલ ઇલેક્શનમાં અન્ગેલા જીત્યાં અને દેશનાં પહેલાં મહિલા ચાન્સેલર બનવાનું બહુમાન મેળવ્યું.

અન્ગેલા મર્કેલે સત્તા સંભાળ્યા પછી ઇઝરાયલ, અમેરિકા, રશિયા અને ચીન સાથે પણ સંબંધો સુધાર્યા છે. ભારત સાથે તો તેમને એવું ફાવી ગયું કે એનર્જી‍, સાયન્સ-ટેક્નૉલૉજી અને ડિફેન્સ ક્ષેત્રે બન્ને દેશે સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ પણ કરી. ઈવન ૨૦૦૯માં તો ભારતે અન્ગેલાને જવાહરલાલ નેહરુ અવૉર્ડ ફૉર ઇન્ટરનૅશનલ આઉટસ્ટૅન્ડિંગ અવૉર્ડ પણ આપ્યો.

ઈ. સ. ૧૯૭૭માં અન્ગેલાએ ફિઝિક્સના વિદ્યાર્થી અલરિચ મર્કેલ સાથે લગ્ન કરેલાં. આ લગ્ન તો પાંચ જ વર્ષ ટક્યાં, પણ અન્ગેલાએ એ અટક છોડી નહીં. થોડાં વર્ષ પછી અન્ગેલા મર્કેલે બર્લિન યુનિવર્સિટીના પ્રોફેસર જોઆકિમ સોઅર સાથે લગ્ન કર્યા. જોઆકિમ જોકે ક્યારેય લાઇમલાઇટમાં આવતા નથી. અન્ગેલાને એકેય લગ્નથી કોઈ સંતાન નથી, પરંતુ જોઆકિમને આગલાં લગ્નથી બે દીકરા છે.

અન્ગેલા મર્કેલ ફુટબૉલનાં જબરાં શોખીન છે. પોતાની નૅશનલ ટીમ રમતી હોય એવી એકેય ગેમ સ્ટેડિયમમાં જોવાનો ચાન્સ તેઓ છોડતાં નથી. જો રૂબરૂ ન જઈ શકે તો ટીવી પર જોઈ લે છે.

ભારત ઉપરાંત અમેરિકા, ઇઝરાયલ, ઇટલી, નૉર્વે, સાઉદી અરેબિયા અને ખુદ જર્મનીએ તેમને ઉચ્ચ અવૉડ્ર્સથી નવાજ્યાં છે. સાતેક જેટલી તો માનદ ડૉક્ટરેટની પદવી તેમને મળી છે. ભારતે ૨૦૧૩માં તેમને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારથી પણ નવાજ્યાં હતાં.

જર્મનીનું ચાન્સેલરપદ સંભાળ્યા બાદ અન્ગેલા મર્કેલ ‘ફૉર્બ્સ’ મૅગેઝિનનાં વિશ્વનાં શક્તિશાળી વ્યક્તિત્વોના લિસ્ટમાં સતત સ્થાન પામતાં રહ્યાં છે. ઈવન વિશ્વની સૌથી શક્તિશાળી સ્ત્રીઓના લિસ્ટમાં તો અન્ગેલા મર્કેલ જ ૨૦૦૬થી આજ સુધી સતત નંબર વનનું સ્થાન મેળવતાં આવ્યાં છે.

તેમની આ ખૂબીઓને કારણે અન્ગેલા મર્કેલને બ્રિટિશ આયર્ન લેડી માર્ગરેટ થૅચર સાથે સરખાવવામાં આવે છે. ઈવન હવે તો તેમને જર્મન રાજ્યોને એક કરનારા પ્રચંડ વ્યક્તિત્વ એવા ઑટો વોન બિસ્માર્ક સાથે પણ લોકો સરખાવવા લાગ્યા છે. જર્મનીના સૌથી મોટા સામયિક ‘દેઆ સ્પીગલ’ (ધ મિરર)એ અન્ગેલા મર્કેલને મુટ્ટી એટલે કે માતાનું બિરુદ પણ આપી દીધું છે.