અમેરિકામાં સેંકડો ફાસ્ટ-ફૂડ આઉટલેટ્સની બહાર હજારો ગે કપલે એકમેકને કરી કિસ

06 August, 2012 05:36 AM IST  | 

અમેરિકામાં સેંકડો ફાસ્ટ-ફૂડ આઉટલેટ્સની બહાર હજારો ગે કપલે એકમેકને કરી કિસ

વાત એમ હતી કે ચિક-ફિલ-એ નામની આ ચેઇન રેસ્ટોરાંના માલિક ડેન કેથીએ રેડિયો પર આપેલા એક ઇન્ટરવ્યુમાં એવું કહી દીધું હતું કે સજાતીય લગ્નોને મંજૂરી આપીને અમેરિકા ઈશ્વરના કોપને આમંત્રણ આપી રહ્યું છે. તેમના આ સ્ટેટમેન્ટથી અમેરિકાનો ગે સમુદાય ભડકી ઊઠ્યો હતો. એ પછી ગે લોકોના એક ગ્રુપે ડેન કેથીની કમેન્ટનો વિરોધ કરવા તેમની માલિકીની તમામ રેસ્ટોરાંની બહાર ભેગા મળીને એકમેકને કિસ કરવાની હાકલ કરી હતી. એ પછી શુક્રવારે અમેરિકાનાં અનેક શહેરોમાં આવેલી ચિક-ફિલ-એના આઉટલેટ્સની બહાર સજાતીય સંબંધ ધરાવતા અંદાજે ૧૪,૦૦૦ લોકોએ એકમેકના પાર્ટનરને ચસચસતું ચુંબન કર્યું હતું. કિસ-ઇન નામના આ કૅમ્પેન દ્વારા અમેરિકાના ગે સમુદાયે લોકોને મેસેજ આપ્યો હતો કે તેમને છંછેડવામાં મઝા નથી. અમેરિકાનાં છ રાજ્યોએ સજાતીય લગ્નોને મંજૂરી આપી દીધી છે. હાલમાં ચાલી રહેલી પ્રમુખપદની ચૂંટણીના કૅમ્પેનમાં પણ આ મુદ્દો ચગ્યો છે. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા સજાતીય લગ્નોને સમર્થન આપી રહ્યા છે, જ્યારે તેમના હરીફ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર મીટ રોમની તેમના વિરોધી છે.