ગડકરી સામેના આરોપોને લઈને આરએસએસનું મૌન

25 October, 2012 05:31 AM IST  | 

ગડકરી સામેના આરોપોને લઈને આરએસએસનું મૌન



બીજેપીના પ્રમુખ નીતિન ગડકરીની માલિકીની કંપની સામે બેનામી રોકાણના આક્ષેપોને લઈને હોબાળો મચ્યો છે. ગઈ કાલે નાગપુરમાં દશેરા નિમિત્તે યોજાયેલા વાર્ષિક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે ભ્રષ્ટાચાર વિશે જોરદાર ભાષણ આપ્યું હતું. જોકે તેમણે ગડકરી સામેના આરોપોને બીજેપીની આંતરિક બાબત ગણાવી હતી. બીજેપીના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ ગઈ કાલે ગડકરીનો બચાવ કર્યો હતો. અડવાણીએ કહ્યું હતું કે ‘આક્ષેપો બાદ નીતિનજીએ સામેથી તપાસ કરાવવાની ઑફર કરી છે અને આ રીતે તેઓ સ્વચ્છ હોવાનું પુરવાર થયું છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે ગડકરી સામેના આરોપ બિઝનેસનાં ધોરણોને લઈને છે સત્તાના દુરુપયોગ બાબતના નથી. અગ્રણી અંગ્રેજી દૈનિકે કરેલા ખુલાસામાં ગડકરી સામે તેમની કંપનીમાં રોકાણ કરનાર કન્સ્ટ્રક્શન કંપનીને અનેક સરકારી કૉન્ટ્રૅક્ટ અપાવવાના આરોપ મૂકવામાં આવ્યા છે.

ગઈ કાલે બીજેપીનાં અન્ય અગ્રણી નેતા સુષમા સ્વરાજે પણ આરોપો સામે ગડકરીનો બચાવ કર્યો હતો તો નાગપુરમાં આરએસએસના કાર્યક્રમમાં (જેમાં ખુદ ગડકરી પણ હાજર હતા) સંઘના વડા મોહન ભાગવતે ગડકરી સામેના આરોપો વિશે મૌન જાળવવાનું પસંદ કર્યું હતું. જોકે પોતાના સંબોધનમાં તેમણે ભ્રષ્ટાચારની સમસ્યા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી તથા ભ્રષ્ટાચાર દૂર કરવાના શ્રેષ્ઠ ઉપાય તરીકે ચરિત્ર નિર્માણની જરૂરિયાત જણાવી હતી. કૉર્પોરેટ બાબતોના પ્રધાન વીરપ્પા મોઇલીએ ગડકરી સામેના આરોપોની તપાસનો આદેશ આપ્યો છે ત્યારે અડવાણીએ આશા વ્યક્ત કરી હતી કે આ તપાસ નિષ્પક્ષ હશે.